નડિયાદમાં ૨૨૬મોં જલારામ જયંતિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પૂજ્ય જલારામ બાપાનો ૨૨૬મોં જલારામ જયંતિ મહોત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ મહોત્સવનો મુખ્ય આકર્ષણ નડિયાદના દાતાઓ દ્વારા બાપાને આપવામાં આવેલી સોનાના સિંહાસનની અનોખી ભેટ રહી હતી.
મળતી માહિતી મુજબ, જલારામ નીજ મંદિરમાં સ્થાપિત રાધાકૃષ્ણ ભગવાનને આ ભવ્ય સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે. દાતાઓના સક્રિય સહયોગથી આ સિંહાસન આ વર્ષે તૈયાર કરવામાં આવ્યું છે, જે જલારામ બાપા પ્રત્યેની ભક્તોની અપાર શ્રદ્ધા દર્શાવે છે. જયંતિ મહોત્સવની શરૂઆત વહેલી સવારે બાપાના મંદિરે ધજા રોહણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજા-અર્ચના, મહાઆરતી અને ભવ્ય છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જલારામ જયંતિ નિમિત્તે દિવસભર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી ભીડ જામી હતી. મંદિર પરિસરમાં દિવસ દરમિયાન રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ધાર્મિક ઉત્સવની સાથે, જલારામ જયંતિ મહોત્સવના ભાગરૂપે જલારામ મંદિર ખાતે આઈ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે સેવાના સંદેશને સાર્થક કરે છે.
મંદિર ટ્રસ્ટના અંદાજ મુજબ, ૨૫ હજાર થી વધારે ભક્તોએ આ પવિત્ર પ્રસંગે મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ ભવ્ય આયોજન નડિયાદમાં જલારામ બાપા પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને ભક્તિભાવને ઉજાગર કરે છે.

