વડતાલધામમાં શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન તથા શ્રી આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવનો ગુરૂવારે દબદબાપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ‘શ્રી શિક્ષાપત્રી સર્વજીવોનું કલ્યાણ કરાવનારી ગંગા છે’ તેમ કહી તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. મહોત્સવના બીજા દિવસે સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજતા દેવોને કેસર અભિષેક કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શણગાર આરતી બાદ સદગુરૂ પૂ.સ્વયંમપ્રકાશાનંદ તથા સદગુરૂ પૂ. મંજુકેશાનંદ સ્વામીના આસને વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી સહિત સંતો દ્વારા સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં ૧૨ કલાક અખંડ ધૂનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ ધૂનમાં જ્ઞાનબાગ સમર્પિત ૨૦૦ ભક્ત-સેવકો જોડાયા છે.
વડતાલધામમાં તા. ૭-૧૦-૨૦૦૬ ના રોજ શરૂ થયેલી અખંડ ધૂન છેલ્લા ૧૮ વર્ષ, ૨ મહિના અને ૧૯ દિવસથી અવિરત ચાલુ છે. જેમાં સંખેડા તાલુકાના હરિભક્તો અગ્રેસર છે.
આ ઉપરાંત, શુક્રવારે સવારે શ્રી હરિ યાગનો પ્રારંભ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતોના હસ્તે કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા શ્રીજી મહારાજના સર્વજીવ હિતાવહના સંદેશને સાકાર કરવાના ઉદ્દેશથી શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પે.હોસ્પિટલમાં સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, શ્વાસ, ફેફસાના, હાડકાના, સ્ત્રીરોગ, બાળરોગ, નેત્ર કેમ્પ વિગેરે પ્રકારના નિદાન અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
સભામંડપમાં સવારે પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ) તથા બપોરના સમયે પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધારધામ) દ્વારા સુમધુર સંગીત સાથે કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે સાંજે ૬ કલાકે શિક્ષાપત્રી ગ્રંથનો સુકામેવા દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.


https://shorturl.fm/NjTvF