સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં ઇન્ટર્નશીપ માર્ગદર્શન નુ આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સી.બી. પટેલ આર્ટસ કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અંતર્ગત સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓના સ્કિલ પેપરની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. NEP ૨૦૨૦ મુજબ, વિદ્યાર્થીઓએ ૨૧ દિવસમાં ૧૨૦ કલાકની કામગીરી અભ્યાસક્રમને લગતી સંસ્થાઓ સાથે કરવાની હોય છે, જે અંતર્ગત આ ઇન્ટર્નશીપનું માર્ગદર્શન સત્ર યોજાયું હતું.
આ સત્રમાં દોસ્ત ફાઉન્ડેશન માંથી પધારેલા અનિલભાઈ રોહિતે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. કલ્પનાબેન ત્રિવેદીએ ઇન્ટર્નશીપની પ્રાથમિક માહિતી આપી હતી અને વક્તા અનિલભાઈ રોહિતનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અનિલભાઈ રોહિતે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પ્રક્રિયા, ઇન્ટર્નશીપ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, અને અહેવાલ લેખન અંગે ખૂબ ઝીણવટભરી રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સજ્જતાપૂર્વક માહિતી આપી હતી. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની આવશ્યકતા અને પદ્ધતિની સ્પષ્ટ સમજ મળી હતી.
આ વ્યાખ્યાનમાં સેમેસ્ટર-૫ ના કુલ ૪૧ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો અને ઇન્ટર્નશીપ સંબંધિત કેટલાક મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર મેળવ્યા હતા. પ્રો. મનિષભાઈ પરમારે ઇન્ટર્નશીપ સંબંધિત ફોર્મ ભરવા અંગેની સમજૂતી આપી હતી અને આભારવિધિ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ વ્યાખ્યાન સત્ર વિદ્યાર્થીઓને તેમની વ્યવહારુ કૌશલ્યલક્ષી જરૂરિયાત પૂર્ણ કરવામાં ખૂબ ઉપયોગી નીવડ્યું હતું.

