વડતાલધામ સ્વા.મંદિરમાં બિરાજતા દેવોનો ૨૦૧ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતેશ્રી શિક્ષાપત્રી લેખન તથા શ્રી આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૨ નવેમ્બરને રવિવારના રોજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણદેવ શ્રી હરિકૃષ્ણમહારાજ સહીત આદિદેવોનો ૨૦૧ મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે સંપન્ન થયો હતો. વડતાલ મંદિરના ચેરમેનડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલધામએ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપસનાનું કેન્દ્ર છે. શ્રી હરીએ આજથી ૨૦૧ વર્ષ પૂર્વે સ્વહસ્તે શ્રી લક્ષ્મીનારાયણદેવ,શ્રી હરિકૃષ્ણમહારાજ સહીત આદિદેવોની સ્થાપના કરી હતી. તા.૨ જી નવેમ્બરના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનો ૨૦૧ મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. સવારે મંગળા આરતી બાદ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.લાલજી મહારાજ તથા મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી,પ્રભાનંદજી વિગેરેના હસ્તે સંપન્ન થયો હતો.અભિષેક બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારના અભ્યોનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. ૨૦૧ માં પાટોત્સવ અંતર્ગત દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિષેક તથા અન્નકૂટ દર્શનનો લાભલેવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.ત્યારબાદ નંદસંતોની ધર્મશાળા ખાતે આવેલ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને ૧૪ પાર્ષદોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ભાગવતી દિક્ષા પ્રદાન કરી હતી. આચાર્ય મહારાજ ગાદી અરૂઢ થયા બાદ આજદિન સુધીમાં ૯૩૨ પાર્ષદોને ભાગવતી દિક્ષા પ્રદાન કરી છે. જેમા વડતાલના ૪૮૦, જૂનાગઢના ૩૮૦, ગઢપુરના ૬૩ તથા ધોલેરાના ૮ પાર્ષદોનો સમાવેશ થાય છે. જયારે પૂ.લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળા માતૃશ્રીએ આજે રવિવારે ૨૬ બહેનોને સાંખ્યયોગીની દિક્ષા આપી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નવદિક્ષિત સંતોને કંઠીથી,યજ્ઞાપવિત તથા ગુરૂમંત્ર આપ્યો હતો. દિક્ષા વિધિ બાદ સૌ નવદિક્ષિત સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા,શાસ્ત્રોનું અભ્યાસ કરવા, તેમજ સત્સંગનું સંવર્ધન કરવાની શીખ આપી હતી. ત્યારબાદ મહારાજ નવદિક્ષિત સંતો સાથે મંદિરમાં પધાર્યા હતા. જ્યાં નવદિક્ષિત સંતોએ મંદિરમાં દેવોને દંડવત પ્રણામ કરી મહારાજ સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં ઉપસ્થિત ભક્તોએ નવદિક્ષિત સંતોને તાળીઓના ગડગડાટ સાથે હર્ષભેર વધાવી લીધા હતા. બપોરે ૧૨ કલાકે મંદિરમાં ધર્મદેવના જન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. સાંજે ૪ કલાકે મંદિરમાં ધર્મદેવ-ભક્તિમાતા તથા શ્રી વાસુદેવજીના દેરામાં હાટડી ભરવામાં આવી હતી.


