લૂંટ તેમજ ઘરફોડ ચોરીના કુલ ૧૨ જેટલા ગુનાઓના બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ એલસીબી પોલીસ.
દાહોદ
ચાંદીના દાગીના સહિત રૂપિયા ૧૩,૫૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો
પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન સોના ચાંદીના દાગીના સાથે સજ્જ થઈ આવતાં જતાં દંપત્તિને ટાર્ગેટ કરી હથિયાર બતાવી દાગીનાની લૂંટ કરવાનો તથા બંધ મકાન કે દુકાનની દિવસ દરમિયાન રેકી કરી રાતના સમયે ચોક્કસ ટાર્ગેટ મુજબ લોક મારેલ હોય તે જગ્યાએ ચોરી કરવાની એમ.ઓ ધરાવતાં અને ઘર ફોડ તેમજ લુટના ૧૨ જેટલા ગુનાઓના બે આરોપીઓને ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી વધુ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર બારૈયા તથા એલસીબીના પોલીસ કર્મીઓની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરવા જેસાવાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ કતવારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનેલા લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ ગરબાડા તાલુકાના છરછોડા ગામનો દીલીપભાઈ હરુભાઈ ભાભોર તથા વડવા હોળી ફળિયાનો વિજય ઉર્ફે માંદો ધુળીયાભાઈ કટારા એમ બંને જણા આમલી ગામે છરછોડા ગામની સીમમાં આવેલ તળાવની પાળ પર બેઠેલ છે. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસે વ્યુહાત્મક વોચ ગોઠવી રેડ કરતા તેઓ ભાગવા જતા પોલીસે કોર્ડન કરી બંનેને ઝડપી પાડ્યા હતા. અને પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપતા અને પોલીસના સવાલના જવાબો આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે તે બંનેની વિશ્વાસમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓએ કતવારા લૂંટના બનાવમાં ઉપયોગમાં લીધેલ દેશી હાથ બનાવટનો કટ્ટો ક્યાં છે, તેમજ આ બનાવ સિવાય કેટલા ગુના કર્યા છે તેમ પૂછતા તેઓએ કતવારા લૂંટના ગુનામાં ઉપયોગમાં લીધેલ દેશી હાથ બનાવટનો કટ્ટો દિલીપે પોતાના ઘરે સંતાડી રાખેલ છે, તેમજ આજથી ત્રણેક માસ અગાઉ તેઓ બંને જણા ભેગા મળી ખાનગી વાહનમાં બેસી ફતેપુરા બાજુ મોટી નાદુકણ ગામના પટેલ ફળિયામાં ગયેલ અને દિવસના સમયમાં એક બંધ મકાનના પાછળના ભાગેથી ધાબા ઉપર ચઢી સીડી વાળા દરવાજેથી અંદર પ્રવેશી રસોડાના કબાટમાં તથા નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી લઈ આવતા રહેતા જેમાં ચાંદીના કડા પકડાયેલ આરોપી દિલીપે પોતાના ઘરે હોવાની કબુલાત કરી હતી.. જેથી પકડાયેલ આરોપી દિલીપને યોગ્ય પોલીસ જાપ્તા સાથે તેના ઘરે તપાસ કરવા લઈ ગયા હતા. જ્યાં ઘરે કોઈ હાજર મળી આવ્યું ન હતું પરંતુ તેને આગળ ચાલી તેના ઘરેથી એક દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ચાંદીના બે જોડી છડા કાઢી પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. જે પોલીસે કબજે લીધા હતા. આમ પોલીસે રૂપિયા ૧૧૫૦૦/-ની કિંમતના બે જોડી છડા તેમજ રૂપિયા ૨૦૦૦/-ની કિંમત નો દેશી હાથ બનાવટનો કટ્ટો મળી કુલ રૂપિયા ૧૩૫૦૦/-નો મુદ્દા માલ પોલીસે કબજે લીધો હતો. આમ પકડાયેલ આરોપીઓની કબુલાતને આધારે ખાતરી તપાસ કતવારા પોલીસ સ્ટેશનના બે અને ફતેપુરા પોલીસ સ્ટેશનનો એક મળી લૂટ તેમજ ઘરફોડના મળી કુલ ત્રણ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા. આરોપી દિલીપભાઈ હરૂભાઈ ભાભોર ભાવનગરના લૂંટ તેમજ ઘરફોડ ચોરીના કુલ સાત જેટલા ગુનાઓમાં નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપી દિલીપભાઈ હરુભાઈ ભાભોર તેમજ તેની સાથે પકડાયેલ વડવા ગામનો વિજયભાઈ ઉર્ફે માંદો ધૂળિયાભાઈ કટારા એમ બંને જણા દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના લૂંટ તેમજ અન્ય મળી કુલ પાંચ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

