વડતાલમાં પોલીસે રૂ.૩.૮૮ લાખની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની અટકાયત
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ વડતાલ ખાતે દરોડો પાડીને રૂ.૩,૮૮,૮૦૦ની કિંમતના ચાઇનીઝ દોરીના ૧૨૯૬ રીલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી ના અ.હેડ.કો. મહાવીરસિંહ કાળુભા અને અ.પો.કો. કુલદિપસિંહ હેમુભાને બાતમી મળી હતી કે, વડતાલના દરબાર ચોક, કોઠીવાળું ફળીયામાં રહેતો કમલેશભાઇ ઉર્ફે કમો રમેશભાઇ પરમાર તેના ઘર નજીકના વાડામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો સંતાડીને રાખેલો છે.
બાતમીની ખાતરી થતાં, એલસીબી સ્ટાફની ટીમે તાત્કાલિક તે સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી બાતમીમાં દર્શાવેલ શખ્સ કમલેશભાઇ ઉર્ફે કમો રમેશભાઇ પરમાર હાજર મળી આવ્યો હતો. પોલીસે જગ્યાની તલાશી લેતા પ્લાસ્ટિકની કોથળીઓમાં સંતાડેલા કુલ ૨૭ પૂઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ ૧૨૯૬ નંગ રીલ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૩,૮૮,૮૦૦ આંકવામાં આવી છે.પોલીસે કમલેશભાઇ ઉર્ફે કમો રમેશભાઇ પરમારની ધરપકડ કરી હતી. પૂછપરછમાં, આ પ્રતિબંધિત દોરીનો જથ્થો આપનાર વ્યક્તિનું નામ સકિલ વ્હોરા, રહે. ઉમરેઠ, આણંદ હોવાનું સામે આવ્યું હતું, જે હાલ ફરાર છે.
ખેડા એલસીબી એ ઝડપાયેલા કમલેશ પરમાર અને ફરાર સકિલ વ્હોરા, એમ બન્ને ઇસમો વિરુદ્ધ વડતાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
