રાષ્ટ્રીય પ્રેસ દિવસ અંતર્ગત નડિયાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રેસ સેમીનાર યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

૧૬ નવેમ્બર ૨૦૨૫ રવિવાર
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસ અંતર્ગત આજરોજ નડિયાદ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વધતી જતી ખોટી માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું સંરક્ષણ વિષય પર આયોજિત આ સેમિનારમાં મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ વિશેષ ઉપસ્થિતિ આપી પત્રકારોનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં લોકમત ઘડવાની જવાબદારી પત્રકારોના શિરે છે, કારણ કે આજનો લોકમત આવતીકાલનો ઇતિહાસ છે. તેમણે કેલિડોસ્કોપની નજરે ઉપલબ્ધ માહિતીને વિશ્વસનીય રીતે રજૂ કરવા પર ભાર મૂક્યો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પત્રકારોને પ્રજાના પ્રશ્નોને વાચા-ભાષા આપવા અને સમાચારોમાં વાસ્તવિકતા, ચીવટ અને પરિણામલક્ષી વિચારો રાખવા જણાવ્યું હતું. તેમણે સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના પત્રકારોના પ્રયાસોને બિરદાવ્યા હતા. વરિષ્ઠ પત્રકાર અને મુખ્ય વક્તા દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટે “પત્રકારત્વ: ચિંતા અને ચિંતન” વિષય પર વક્તવ્ય આપતાં નારદ મુનિ અને મહાભારતના સંજયને પત્રકારો માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા. તેમણે ચેતવણી આપી કે માહિતીના વિસ્ફોટમાં તેના દુરુપયોગથી પરિણામ અને પરિમાણો બદલાઈ શકે છે. તેમણે પત્રકારોને સત્ય, તથ્ય, વિશ્વસનીયતા અને શિસ્તના નિયમોથી પત્રકારત્વ ધર્મ નિભાવવા અપીલ કરી. ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશભાઈ દવેએ પત્રકારોને ફેક ન્યુઝથી બચવા અને સત્યના પાયા પર તથ્ય રજૂ કરી વિશ્વસનીયતા જાળવવા જણાવ્યું હતું. તેમણે પત્રકારત્વના ગુણોમાં સારા શ્રોતા બનવું, સ્વયં શિસ્તતા અને સંવેદનશીલતા કેળવવા પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે સંવેદના અને મૌલિકતા શ્રેષ્ઠ હશે તો જ AI  સહયોગી બનશે. સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સરના રોલ પર આલાપ તલાટીએ કહ્યું કે ઇન્ફ્લુએન્સર બનવું સરળ છે પણ ટકવું અઘરું છે, અને ડિજિટલ યુગમાં તેમને સાચી માહિતી આપવાની જવાબદારી વધી જાય છે. વેબ જર્નાલિઝમ પર બોલતાં હેતાલી શાહે જણાવ્યું કે ૮૦% ભારતીય જનતા વેબ જર્નાલિઝમ દ્વારા ઝડપી સમાચાર મેળવે છે, પરંતુ ઇન્ફ્લુએન્સર જર્નાલિઝમ અને સિટીઝન જર્નાલિઝમ પત્રકારો માટે એક પડકાર છે. જલાશ્રય, નડિયાદ ખાતે યોજાયેલા આ સેમિનારમાં જિલ્લાના તમામ મીડિયાકર્મીઓ અને માહિતી કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક માનસી બેન દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!