નાગરિકોને કોઇ પણ જાતના ડર કે ચિંતા રાખ્યા વિના કોરોના ટેસ્ટ કરાવવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ
-:કલેક્ટર શ્રી વિજય ખરાડી :-
• જિલ્લામાં ટેસ્ટ કરાવનાર પૈકી ૯૮ ટકા લોકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે
• કોવીડ-૧૯ થી રીકવરીનો રેટ ૮૩ ટકાથી વધુ છે
• જિલ્લામાં કોરોનાના ૧૪૭૦ માંથી ૧૨૨૫ લોકો પૂર્ણ સ્વસ્થ થઇ ચૂકયા છે
• અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ૧૮૦
• જિલ્લામાં કોરોના કેસ બમણાં થવાનું પ્રમાણ જોઇએ તો ૪૧ દિવસનો છે
• કોરોનાના પ્રત્યકે કેસ દીઠ ૨૦૦ જેટલા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિગ કરવામાં આવે છે
દાહોદ, તા. ૧૯ : દાહોદ જિલ્લામાં કોરોના ટેસ્ટ કરાવનાર ૮૪૫૦૩ લોકોમાંથી ૮૨૭૭૬ લોકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે ૯૮ ટકા લોકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જયારે જિલ્લામાં કોવીડ-૧૯ થી રીકવરીનો રેટ ૮૩ ટકા છે. ત્યારે નાગરિકોએ કોઇ પણ જાતના ડર કે ચિંતા રાખ્યા વિના કોરોના ટેસ્ટ કરાવવા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી સામે ટેસ્ટ ઇઝ બેસ્ટ. મે પોતે પણ બે વખત ટેસ્ટ કરાવ્યો છે. કોઇ પણ નાગરિકને કોરોનાના લક્ષણો જણાય કોઇ પણ ડર કે ચિંતા વિના તુરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. જેથી તેનું નિદાન અને સારવાર ઝડપથી થઇ શકે. કોરોનાથી પોતાને તથા પોતાના પરિવારને સંક્રમણથી બચાવવાનો આ એક અસરકારક ઉપાય છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લાના ૮૪૫૦૩ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેમાથી ૧૪૭૦ લોકોનું કોરોના પોઝિટિવ નિદાન થયું હતું. જેમાંથી ૧૨૨૫ લોકો સારવાર મેળવી સાજા થઇને રજા મેળવી ચુકયા છે. જયારે અત્યારે જિલ્લામાં ૧૮૦ એકટિવ કેસો છે. જિલ્લામાં કોવીડ-૧૯ થી રિકવરી રેટ ૮૩ ટકાથી વધુ છે. જયારે બાકીના લોકો હોસ્પીટલમાં કે કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર મેળવી રહ્યાં છે. જિલ્લામાં કોરોના કેસ બમણાં થવાનું પ્રમાણ જોઇએ તો ૪૧ દિવસનો છે. જેટલાં સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી પોઝિટિવ આવનારનું પ્રમાણ જોઇએ તો ૧.૭૩ ટકા છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા સઘન રીતે કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગની ૧૪૨૮ જેટલી ટીમો લાગેલી છે. જે માટે શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય વગેરે જેવા કોરોનાના લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે છે.
ધન્વંતરિ રથની કામગીરી વિશે માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં અત્યારે ૫૫ ધન્વંતરિ રથો કોરોના સામે સઘન આરોગ્ય ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેઓ પલ્સઓકસીમીટરથી ઓકસીજનનું લેવલ તપાસ કરવી, ગ્લુકોમીટરથી સુગર લેવલ તપાસવું વગેરેથી આરોગ્યની સચોટ તપાસ પણ કરે છે. સાથે ધન્વંતરિ રથ ગામે ગામ કોરોના બાબતે લોકજાગૃતિ ઝુંબેશ પણ પુરજોશમાં ચલાવી રહી છે.
તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણ સામે આપણી પાસે દવાઓનો, પીપીઇ કીટ, માસ્ક, ગ્લવ્સ, સેનિટાઇઝર વગેરેનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં કોરોનાના ૧૮૦ એક્ટિવ કેસ પૈકી ૩૮ કોવીડ કેર સેન્ટર ખાતે, ૭ એલ.ડી. હોસ્પીટલ ખાતે, ૪૧ ઝાયડસ હોસ્પીટલ ખાતે અને ૭૪ વ્યક્તિ હોમ આઇસોલેશનમાં છે, અત્યારે ૪૧ ટકા લોકો હોમ આઇસોલેશનમાં છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કોન્ટેક્ટ ટ્રેસિગની કામગીરી પણ ખૂબ અગત્યની હોય સઘન રીતે કરવામાં આવે છે. જેમાં પ્રત્યકે કેસ દીઠ ૨૨૧ એટલે કે અંદાજે ૨૦૦ જેટલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિગ કરવામાં આવે છે. જે પૈકી ૧૦ થી ૧૫ હાઇ રીસ્ક અને બાકીનાને લો રીસ્ક તરીકે આઇડેન્ટીફાઇ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યારે કન્ટેઇનમેન્ટ વિસ્તાર ૧૮૩ છે.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોના ટેસ્ટ સરળતાથી દરેક નાગરિકને ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૯ થી ૧૨ વાગે કોરોના ટેસ્ટ કરાવી શકાય છે. ઉપરાંત ૨૧ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ કરાવી શકાય છે. દાહોદની ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતે પણ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત દાહોદ શહેરમાં ચાકલીયા રોડ ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે અને દેસાઇ વાડ ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ કોરોના ટેસ્ટ કરાવી શકાય છે.
તેમણે ઉમેર્યું કે, જે લોકો કોરોના એસિમ્ટોમેટિક છે, સામાન્ય લક્ષણો જણાય રહ્યાં છે તેઓ જાતે જ ડોક્ટરને હોમ આઇસોલેશનની માંગણી કરવાની જગ્યાએ શરૂમાં કોવીડ કેર સેન્ટર ખાતે કોરોનાની સારવાર અને હોમ આઇસોલેશનમાં શું શું કાળજી લેવી તેની પૂરેપૂરી માહિતી મેળવી લે એ વધારે ઇચ્છનીય છે. જેથી કરીને હોમ આઇસોલેશનમાં તમે વધારે સારી રીતે પોતાની તથા પોતાની પરિજનોની કાળજી રાખી શકશો.