ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઝડપાયો: રૂ. ૪૮,૭૫૦નો મુદ્દામાલ રિકવર
નરેશ ગનવાણી નડિયાદ

મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં એક આરોપીને
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.
સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી નડિયાદ-કપડવંજ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી આરોપીને સફેદ કલરના મેસ્ટ્રો બાઈક પર જતા ઝડપી લેવાયો હતો. પકડાયેલા આરોપી મહમદવસીમ ઉર્ફે વસુલી પાસેથી મહુધા પો.સ્ટે.ના ગુનામાં ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જેમાં આશરે રૂ. ૩૦ હજાર ની કિંમતનું એક બાઈક અને રૂ. ૧૮,૭૫૦ની કિંમતનું એક ૩૨ ઇંચનું ટીવી મળીને કુલ રૂ. ૪૮,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપી મહમદવસીમ એ કબૂલ્યું કે તેને જુગાર રમવાની ટેવ છે અને જુગારમાં પૈસા હારી જતાં તે ફરી જુગાર રમવા માટે પૈસા મેળવવા નાની-મોટી ચોરીઓ કરતો હતો. તે ખાસ કરીને સ્કૂલો, આંગણવાડી કેન્દ્રો, સી.એચ.સી. સેન્ટરો, દુકાનો અને ભંગારના વાડાઓને નિશાન બનાવતો હતો. તે ગેસની બોટલો, ટીવી, પીપ, લોખંડની બારીઓ અને છૂટક ભંગારની ચોરી કરતો હતો. મહુધા પોલીસ સ્ટેશનના ગુના ઉપરાંત, આરોપીએ ભૂતકાળમાં આચરેલા અન્ય ૮ જેટલા ચોરીના ગુનાઓ કબૂલ્યા છે. આ ગુનાઓમાં ગેસની બોટલો, લોખંડની બારીઓ, પાણીના પીપ અને ફ્રૂટના કેરેટોની ચોરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પકડાયેલા આરોપી મહેળાવ અને મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય બે ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. મહુધા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

