‘સુરક્ષિત દાદા દાદી – નાના નાની અભિયાન’ થકી દાહોદના વરિષ્ઠ નાગરિકોની લેવાઇ રહી છે કાળજી
૦૦
૯૧૨૯ થી પણ વધુ વરિષ્ઠ નાગરિકોનો ટેલીફોનીક સંપર્ક કરી તેમને કોરોનાની સાવચેતી બાબતે માર્ગદર્શન અપાયું
૦૦
ખાસ લેખ: દર્શન ત્રિવેદી
દાહોદ જિલ્લો કોરોના મહામારીનો મજબુતાઇથી સામનો કરી રહ્યું છે ત્યારે વરિષ્ઠ નાગરિકો કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે જિલ્લાના બે લાખથી પણ વધુ ૬૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે ‘સુરક્ષિત દાદા દાદી – નાના નાની અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જોડાયેલા સ્વયંસેવકો ફોન દ્વારા વરિષ્ઠ નાગરિકોને કોરોના સંક્રમણ બાબતે જાગૃત કરે છે. સાવચેતીના પગલા બાબતે માર્ગદર્શન આપે છે. તેમની દવાઓના સ્ટોકથી લઇને પેન્શન પણ નિયમિત મળી રહ્યું છે તેની પુષ્ટિ કરે છે અને જરૂર લાગે તો રૂબરૂ મુલાકાત કરીને પણ સિનિયર સિટિઝનની સમસ્યાઓને પણ દૂર કરવામાં આવી રહી છે.
આ અભિયાન નીતિ આયોગ, જિલ્લા વહીવટી તંત્ર, પિરામલ ફાઉન્ડેશન અને સેવાભાવી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે. દેશના ૧૧૨ મહાત્વાકાંક્ષી જિલ્લાઓમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ચલાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં પણ ૮ જુલાઇથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાની એનજીઓ જેવી કે સદગુરૂ ફાઉન્ડેશન, ભગીની સમાજનાં સક્રિય સહયોગ ઉપરાંત નેહરૂ યુવા કેન્દ્રના ૧૦૦ સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયા છે. આ સ્વયંસેવકો ફોન દ્વારા વરિષ્ઠ નાગરિકોને ઘરમાં કરિયાણું છે કે નહી, કોઇ માનસિક મૂંઝવણ તો નથી અનુભવતા ને ? દવાઓનો સ્ટોક ઘરમાં ઉપલબ્ધ છે કે નહી. કોઇ આર્થિક કે કૌટુંબિક પરેશાની તો નથી ને. એવા પ્રશ્નો દ્વારા તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી રહ્યા છે. તાલીમ પામેલા સ્વયંસેવકો પોતાના ઘરેથી જ આ કામગીરી કરી રહ્યાં છે.
અત્યાર સુધીમાં સ્વયંસેવકોએ ૯૧૨૯ થી પણ વધુ સિનિયર સિટીઝન પાસેથી ફોન દ્વારા તેમની શારીરિક સ્થિતિથી લઇને માનસિક, સામાજિક, કે કૌટુંબિક સમસ્યાઓ બાબતે પૃચ્છા કરી છે. ઉપરાંત તેમને કોરોના સંક્રમણ બાબતે રાખવાની કાળજીની સમજ આપવામાં આવી છે. ઉપરાંત ૫૭૯ સિનિયર સિટીઝનોએ પોતાની સમસ્યાઓ બાબતે મદદ માંગી હતી. જેમાંથી વહિવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી ૫૩૮ થી પણ વધુ વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે અને હજુ પણ ટીમ દ્વારા કામગીરી ચાલુ છે. નીતિ આયોગ અને પિરામલ ફાઉંન્ડેશન ડિવીઝનલ ફેસીલેટર શ્રી મનિષ વિશ્નોઇ જણાવે છે કે, આગામી સમયમાં જિલ્લાના દરેકે દરેક વરિષ્ઠ નાગરિક સુધી ટેલીફોનીક માધ્યમથી પહોંચવામાં આવશે અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં આવશે.
#Sindhuuday Dahod