મૂલ્યવર્ધિત ખેતી અને એગ્રોપ્રોસેસીંગ થકી દાહોદ દેશ વિદેશમાં ડંકો વગાડી શકે છે : બાગાયાતી પાકો સહિત મકાઇ, સોયાબીન વગેરે ખેતપેદાશો બાબતે દાહોદ એક્સપોર્ટ હબ બનવાની ઉજળી શકયતા હોવાનું જણાવતા કલેક્ટર શ્રી વિજય ખરાડી
દાહોદ તા.૨૦
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટિની બેઠક ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને જિલ્લામાં ઉચ્ચ ગુણવત્તાવાળા ખેતપાક થઇ રહ્યા હોય તેમની એક્સપોર્ટ વધે તે માટે સઘન કામગીરી કરવા જણાવ્યું હતું.
કલેક્ટર શ્રી ખરાડીએ બેઠકમાં જણાવ્યું કે, દાહોદમાં ખેતીના ક્ષેત્રમાં એક્સપોર્ટના વિકાસની બહોળી શક્યતાઓ છે. જિલ્લામાં સોયાબીન અને મકાઇના ખૂબ ઊંચી ગુણવત્તાના પાક થાય છે. તેમના એક્સપોર્ટ બાબતે જરૂરી પગલા લેવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઇ શકે છે. જિલ્લામાં ફૂલોની ખેતી પણ ખૂબ જ વિકસી છે. ત્યારે ગુલાબ વગેરેના પાકમાં વેલ્યુ એડીશન કરવામાં આવે જેમ કે ગુલાબનું પરફ્યુમ કે ગુલાબજલ તેમનું યોગ્ય પેકિજિગ, સ્ટોરેજ વગેરેની ઇન્ડસ્ટ્રી વિકસાવવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઇ શકે છે અને મોટા પ્રમાણમાં એક્સપોર્ટ પણ કરી શકાશે. દાહોદમાં ખેડૂતો બાગાયાતી પાક અપનાવી રહ્યાં છે અને તેનું ઉત્પાદન અને ગુણવત્તા પણ ખૂબ સારી હોય છે. આદુ, હળદર વગેરે પાકો અન્ય જિલ્લાઓની સરખામણીમાં ઉચ્ચ ગુણવત્તાવાળા હોય તેમના સ્ટોરેજ, પ્રોસેસીગ, વેલ્યુએડીશન કરવામાં આવે તો દાહોદ ખેતીપેદાશોમાં એક્સપોર્ટની મોટી તકો રહેલી છે.
બેઠકમાં જિલ્લા બાગાયાતી અધિકારી શ્રી પારેખે જિલ્લામાં સોયાબીન, મકાઇ વગેરે ઉચ્ચ ગુણવત્તાના થતા હોય તેમના જીયો ટેગીગ કરવા બાબતની વાત જણાવી હતી. બેઠકમાં જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી, ખેતીવાડી અધિકારી શ્રી સુથાર સહિતના અધિકારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.
#Sindhuuday Dahod

