દાહોદમાં દશેરાના પર્વ ટાણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલેન્સની પૂજા કરાઈ:જિલ્લાવાસીઓ માટે લાઈફલાઈન બની વધુ ને વધુ લોકોના જીવ બચાવવાના સંકલ્પ લીધા
દાહોદ તા.25
દાહોદ શહેર સહીત જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રપૂજા સહીત વાહનોની પૂજા કરવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે.ત્યારે દાહોદ શહેરના ટેક્નિકલ ખાતે આવેલા ઇમરજન્સી 108 ના મુખ્ય મથક ખાતે જિલ્લામાં પ્રસૂતા મહિલાઓ માટે દેવદૂત તેમજ માર્ગ અકસ્માતોમાં ઇજાગ્રસ્તોની વહારે આવી લાઈફલાઈન સમી 108 એમ્બ્યુલેન્સની પૂજા અર્ચના કરી હાજર ઈએમટી તેમજ પાઇલોટ સ્ટાફે પોતાનો સર્વશ્રેષ્ઠ આપી વધુને વધુ લોકોના જીવ બચાવવાના સંકલ્પ લીધા હતા.
આસો સુદ દશમી એટલે બુરાઈ પર સત્યની વિજય સમા વિજયાદશમીના પર્વ નિમિત્તે પોલિસતંત્ર દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવે છે.તેમજ જિલ્લાવાસીઓ આ દિવસે પોતાના વાહનોની પૂજાઅર્ચના કરે છે.ત્યારે દાહોદ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સની પૂજા કરવામાં આવી હતી.શહેરના ટેક્નિકલ સ્કૂલ ખાતે આવેલા ઇમરજન્સી 108 ના મુખ્ય મથક ખાતે ઇમરજન્સી મેનેજમેન્ટ એજ્યુકેટીવ મનોજ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સની વિધિવત રીતે પૂજાઅર્ચના કરવામાં આવી હતી. તેમજ ઈએમટી તેમજ પાયલોટ સ્ટાફે આવનારા નવા વર્ષ દરમિયાન લોકોની સેવામાં ૨૪×૭ પોતાનો સર્વશ્રેષ્ઠ આપી વધુને વધુ લોકોના જીવ બચાવવા માટે સંકલ્પની લાગણી 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ વ્યક્ત કરી હતી.
દાહોદ જિલ્લામાં પ્રસૂતા મહિલાઓ માટે દેવદૂત સમાન સાબિત થતી ઇમરજન્સી ૧૦૮ સેવા
દાહોદ જિલ્લાના આંતરિયાળ તેમજ ડુંગરાળ જેવા દુર્ગમ વિસ્તારો જ્યાં દ્વિચક્રી વાહનને પહોંચવામાં મુશ્કેલી થાય છે. તેવા વિસ્તારોમાં વસવાટ કરતી પ્રસૂતા મહિલાઓ માટે દેવદૂત સમાન બની રહેલ ઇમરજન્સી ૧૦૮ સેવાએ સમયસર પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડી માતા અને બાળકો બંનેના જીવ બચાવ્યા છે. જ્યારે કેટલાક બનાવોમાં તો એમ્બ્યુલન્સના હાજર ઇએમટી સ્ટાફે પણ સ્થળ પર જ પ્રસૂતિ કરાવી પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે.
માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોકો માટે ઈમરજન્સી ૧૦૮ લાઈફલાઈન સાબિત થઇ
દાહોદ જિલ્લામાં વાહન ચાલકે ગફલત તેમજ બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગ ના લીધે અવાર નવાર તેમજ છાશવારે માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર ચાલતી રહે છે. તેવા સમયે માર્ગ અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપતી રી ઇમરજન્સી 108 લાઈફલાઈન સાબિત થઇ રહી છે.અત્રે નોંધવું રહ્યું કે દાહોદ જિલ્લાના 27 લોકેશન પર કાર્યરત એમ્બ્યુલેન્સ દ્વારા જિલ્લાના ખૂણે ખૂણે 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ અને કર્મચારીઓની સેવાના કારણે મોટી સંખ્યામાં અકસ્માતના બનાવોમાં ઇજાગ્રસ્તોને સમયસરની સારવાર મળતા તેમના જીવ બચાવવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે.