દાહોદ જિલ્લામાં ડી.જે.સમિતિ દ્વારા કલેક્ટર સમક્ષ ડી.જે.વગાડવાની પરવાનગી માંગવામાં આવી
દાહોદ તા.૦૩
કોરોના વૈશ્વિક મહામારી દરમ્યાન લોકડાનનના મહિનાઓ સુધી અનેક વેપાર – ધંધાઓ ઠપ્પ થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો. આ સાથે જ વેપારી વર્ગમાં પણ હાલત કફોડી બનવા પામી હતી ત્યારે બીજી તરફ આ લોકડાઉનના મહિનાઓમાં શુભ પ્રસંગ, લગ્ન પ્રસંગોમાં તહેવારો તેમજ લગ્ન પ્રસંગો પર પણ ડી.જે.જેવા વાંજીત્ર વગાડવાના પ્રતિબંધો સાથે ડી.જે. વગાડી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા ડી.જે.સંચાલકોની હાલત પણ કફોડી બની છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન સરકાર દ્વારા અનલોકની પધ્ધતિ અપનાવી વેપાર – ધંધા તેમજ વાણિજ્યને ફરી વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે પુનઃ બજારો ધમધમતા થયા અને આવા સમય લગ્ન પ્રસંગો અને બીજા શુભ પ્રસંગો પણ યોજાતા હોય તેવા સમયે દાહોદ જિલ્લાના ડી.જે.સંચાલકો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપી ડી.જે.વગાડવાની પરવાનગી માંગવામાં આવી છે જેથી પુનઃ આ ડી.જે.સંચાલકો પોતાનો જીવન નિર્વાહ રાબેતા મુજબ ચલાવી શકે અને પોતાનું તથા પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે.
દાહોદ જિલ્લા કલેક્ટરને દાહોદ જિલ્લાના ડી.જે.સમિતિ,દાહોદ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં કોરોના મહામારીના કારણે ડી.જે.વગાડવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે. હાલની કપરી મોંઘવારીમાં દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રહી પોતાનું ગુજરાન ચલાવતા માટે ડી.જે. જેવા ધંધા, રોજગારથી સંકળાયેલ લોકોની હાલત ડી.જે.પર પ્રતિબંધના કારણે કફોડી બની છે. દાહોદ જિલ્લામાં આશરે ૫૦૦ જેટલા ડી.જે.સાઉન્ડ સંચાલકો લગ્નની સીઝન અને તહેવારોની સીઝવમાં બેરોજગાર થયા છે. હવે આવનાર દિવાળી સીઝન, લગ્ન પ્રસંગ, ઘર વાસ્તુ પુજન તેમજ કોઈ અન્ય શુભ પ્રસંગોમાં ડી.જે. માલિકોનો વ્યવસાય ચાલુ રહે તે માટે ડી.જે. તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે કલેક્ટર પાસે પરવાનગી માંગી છે. વધુમાં જણાવ્યા અનુસાર, પાંચ દિવસમાં હકારાત્મક જવાબ તેમજ નિર્ણય લેવામાં નહીં આવે તો દાહોદ જિલ્લાના ડી.જે.માલિકો દ્વારા ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ડી.જે.માલિકો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, જાે તંત્ર ડી.જે.વગાડવાની પરવાનગી આપશે તો સરકારની ગાઈડ લાઈન મુજબ ૨૦૦ વ્યક્તિની જે લગ્ન પ્રસંગોમાં છુટછાટ આપવામાં આવી છે એજ પ્રમાણે ૨૦૦ વ્યક્તિઓમાં સમિતિ લાઉડ સ્પીકર વગાડશે અને સરકારની ગાઈડ લાઈનનું પુરેપુરૂં પાલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
#Sindhuuday Dahod