દાહોદ જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જાહેરનામું પસિદ્ધ કરાયું : હથિયારો સાથે રાખીને ફરી શકાશે નહી, જાહેરમાં સૂત્રો પોકારવા, ટોળા કરવા પર પ્રતિબંધ
દાહોદ તા.૭
દાહોદ જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવેએ ગત તા. ૬ નવેમ્બરથી ૬૦ દિવસ સુધી લાગુ થાય તે રીતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા મુજબ શસ્ત્રો, દંડા, ગુપ્તી, ધોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા શારીરિક ઇજા પહોચાડી શકાય તેવા સાધનો સાથે લઇ ફરવું નહી. કોઇપણ ક્ષયકારી પદાર્થ-સ્ફોટક પદાર્થ સાથે લઇ શકાશે નહી. પથ્થર કે ફેંકી શકાય તેવી વસ્તુઓ કે એ માટેના સાધનો-યંત્રો પણ સાથે લઇ જઇ શકાશે નહી, એકઠા કે તૈયાર કરી શકાશે નહી. મનુષ્યોની આકૃતિઓ કે પુતળા દેખાડવા, અપમાનિત કરવા, જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા કે ટોળા કરવા નહી. છટાદાર ભાષણ, ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો કે બીજા કોઇ પદાર્થ કે વસ્તુ કે જેથી સુરૂચીનો ભંગ થતો હોય, રાજયની સલામતી જોખમાતી હોય તેની જાહેરનામાથી મનાઇ કરવામાં આવી છે. આ જાહેરનામું ધાર્મિક વિધિ કે મરણોત્તર ક્રિયા, ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ અધિકૃત પરવાનેદારોને લાગુ થશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
#Sindhuuday Dahod

