દાહોદમાં માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજતું જિલ્લા ચૂંટણી તંત્ર : મતદાર યાદીના મુસદ્દા, બૂથ લેવલ એજન્ટની નિમણૂંક અને મતદારયાદી સુધારણા બાબતે ચર્ચા

દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી અને મતદાન મથકો બાબતે આજે સેવા સદન ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિજય ખરાડીએ બેઠક યોજી હતી.
જેમાં શ્રી ખરાડીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માહિતી આપી કે, ગત્ત તારીખ ૯ના રોજ દાહોદ જિલ્લાની મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેની નકલ તમામ માન્ય રાજકીય પક્ષોને મોકલવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લામાં ૧૬૬૧ મતદાન મથકો આખર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ૩૮ મતદાન મથકોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાંથી ૧૬ મતદાન મથકોને તેના જૂના સ્થાનથી નજીકના અન્ય સ્થાને ફેરવવામાં આવ્યા છે. આવા મતદાર મથકોમાં ઝાલોદ અને લીમખેડામાં ૨-૨, દાહોદમાં સાત, ગરબાડામાં ચાર અને દેવગઢ બારિયા તાલુકામાં એક મથકનો સમાવેશ થાય છે.
એજ પ્રકારને કુલ ૨૨ મતદાન મથકો એવા છે કે જેનામાં સ્થળે બીજા ઓરડામાં ફેરવવામાં આવ્યા છે. તેમાં ફતેપુરામાં નવ, દાહોદ અને ગરબાડામાં ૩-૩ અને દેવગઢ બારિયામાં સાત મતદાન મથકોનો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું કે, તા.૯ની સંકલિત મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થવાની સાથે ૦૧-૦૧.૨૦૨૧ની લાયકાતના ધોરણે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. એટલે કે, એ તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે અરજી કરી શકશે. તેમણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબતે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. આ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ઓનલાઇન સુવિધાની માહિતી પણ આપવામાં આવી હતી. સાથે, મતદાન મથકો દીઠ રાજકીય પક્ષ તરફથી નિમણૂક કરવાના થતાં બૂથ લેવલ એજન્ટ્સની ઝડપથી નિમણૂક કરવા માટે જણાવ્યું હતું.
અત્રે નોંધવું જોઇએ કે, દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગત્ત રવિવારે બૂથ કક્ષાએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બીએલઓ પોતાના બૂથ ઉપર આખો દિવસ રહી મતદારો પાસેથી ફોર્મ સ્વીકાર્યા હતા. જેમાં નવા નામ માટે ૬ નંબરના ફોર્મ કુલ ૫૨૩૭, નામ કમી કરાવવા માટે સાત નંબર ફોર્મ કુલ ૬૪૬, મતદાર યાદીમાં સુધારા વધારા માટેના ફોર્મ નંબર ૮ કુલ ૧૦૨૭ અને સ્થળાંતર માટેના કુલ ૧૫ મળી ૭૦૬૧ ફોર્મ રવિવારે તંત્રને મળ્યા છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. જી. કુંપાવત, ભારતીય જનતા પક્ષના શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, સીપીએમ તરફથી શ્રી કનુભાઇ ડામોર ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: