પુસરી ગામે ૧૦ લોકોએ મારક હથિયાર સાથે મારામારી કરી ૬ લોકોને માર મારી ગંભીર ઈજા પહોંચાડી
દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના પુસરી ગામે ૧૦ જેટલા મહિલા સહિતના ટોળાએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે એક વ્યક્તિના ઘરે મારક હથિયારો જેવા કે, ધારીયું, લાકડી, લોખંડની પાઈપ લઈ ઘસી જઈ ભારે ધિંગાણું મચાવી ૬ થી ૭ જેટલા વ્યક્તિઓને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં આ ધિંગાણાના પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પુસરી ગામે દહીયા ફળિયામાં રહેતા વિક્રમભાઈ રમસુભાઈ ભુરીયા, કરણભાઈ રસમુભાઈ ભુરીયા, રમસુભાઈ ધુળીયાભાઈ ભુરીયા, અનિલભાઈ નવલાભાઈ ભુરીયા, શૈલેશભાઈ રમસુભાઈ ભુરીયા, નવલાભાઈ ધુળીયાભાઈ ભુરીયા, સબીબેન વિક્રમભાઈ ભુરીયા, સવિતાબેન રમસુભાઈ ભુરીયા, સંગીબેન કરણભાઈ ભુરીયા, સુમિલાબેન નવલાભાઈ ભુરીયાનાઓએ ગત તા.૧૨મી ડિસેમ્બરના રોજ પોતાની સાથે લાકડીઓ, ધારીયા, લોખંડની પાઈપો જેવા મારક હથિયારો સાથે પોતાના જ ગામમાં રહેતા સબલાભાઈ ધુળીયાભાઈ ભુરીયાના ઘરે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા અને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ તમામ લોકો પોતાની સાથે લાવેલ લાકડી, ધારીયા અને લોખંડની પાઈપ વડે સબલાભાઈ, ધુળીયાભાઈ, ઈશ્વરભાઈ, દિતીયાભાઈ, મેતાબેન વગેરેને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સબલાભાઈ ધુળીયાભાઈ ભુરીયાએ આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Sindhuuday Dahod