દાહોદની સબ જેલની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની એક નનામી અરજી
દાહોદ, તા.૧૭
દાહોદની સબ જેલની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની એક નનામી અરજી દાહોદના ડીસ્ટ્રીક જજને મળતા તેઓએ જિલ્લા સમાહર્તા તથા જિલ્લા પોલીસ વડાને સાથે રાખી દાહોદ સબજેલની ઓચિંતી વિઝીટ કરતા સબજેલમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવતા આ કૃત્યને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા આની તપાસ ડીવાયએસપી હેડ કવાટ્ર્સને સોંપી તેનો અહેવાલ દિન ત્રણમાં આપવાનું જણાવાયું છે અને જે દોષિત હશે તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે.
દાહોદની સબજેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તે બાબતની એક નનામી અરજી દાહોદના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડીટી સોનીને મળી હતી. જેથી આ બાબતની જાણ તેઓએ જિલ્લા સમાહર્તા વિજય ખરાડીને કરી હતી અને જિલ્લા સમાહર્તાએ આ અંગેની જાણ જિલ્લા પોલીસ વડા હિતેશ જાયસરને કરતા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ ટી ડી સોની, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર વગેરેએ આજરોજ ઉપરોક્ત સંદર્ભે દાહોદ સબ જેલની ઓચિંતી વિઝીટ લેતા જેલ વીઝીટ દરમ્યાન કેરમ, પત્તા-પાના વગેરે વાંધાજનક વસ્તુઓ મળી આવતા વહીવટી તંત્રના વડાઓ ચોંકી ઉઠ્યા હતા અને આ કૃત્યને અત્યંત ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા હિતેશ જાયશરએ આ મામલાની તપાસ ડીવાયએસપી હેડ ક્વાટ્ર્સને સોંપી દિન ત્રણમાં તપાસનો અહેવાલ સોંપવાનો આદેશ કર્યો છે. આ અંગે જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ છે કે, અહેવાલ બાદ જે કોઈ દોષી હશે તેની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.