મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો લાભાર્થીઓ સાથે લાગણીસભર સંવાદ : ‘‘સાહેબ અમને દિવસે વીજળી મળતા મોટી રાહત થઇ છે’’ : કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી કાળુભાઇ ડામોર મુખ્યમંત્રીશ્રીએ મળી ભાવવિભોર થઇ ગયા : પાલકમાતા પિતા યોજના અને અમૃતમ યોજનાના લાભાર્થી સાથે પણ મુખ્યમંત્રીશ્રીનો સંવાદ
દાહોદના ઝાલોદ ખાતે રૂ. ૧૫૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે પહોંચેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની કેટલીક યોજના લાભાર્થીઓ સાથે પ્રયત્યક્ષ મુલાકાત કરી હતી અને તેમની પાસેથી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સર્વ પ્રથમ કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી શ્રી કાળુભાઇ સવજીભાઇ ડામોર સાથે મુલાકાત કરી તો કાળુભાઇએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે, સાહેબ, અમને દિવસે વીજળી મળતા ખૂબ જ રાહત થઇ છે. રાતના ઉજાગરા મટ્યા છે. હવે કોઇ પ્રાણીઓનો પણ ડર નથી. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તેમના પ્રત્યે આભાર માની ક્ષેમ કુશળ પૂછ્યા હતા.
એવી જ રીતે દાહોદમાં ગઢી કિલ્લામાં ચાની કિટલી ધરાવતા છગનભાઇની સાથે મુલાકાત કરી પૂછ્યું કે, હદય રોગની સારવાર બાદ હવે કેમ છે ? તો છગનભાઇએ કહ્યું કે, એકદમ સારૂ છે. શ્રી રૂપાણીએ વળતો પ્રશ્ન કર્યો કે સારવારમાં કેટલા રૂપિયા ખર્ચવા પડ્યા ? તો જવાબ મળ્યો કે એક પણ રૂપિયાનો નહીં.
અત્રે ઉલ્લેખનીયછે કે, છગનભાઇ દાહોદ શહેરના ગડી ફોર્ટ ખાતે ચાની કીટલી ચલાવે છે. આસપાસ સરકારી કચેરીઓ અને લોકોની અવરજવર હોય ગુજરાન પૂરતું તેઓ કમાઇ લેતા હતા.
પંચાવન વર્ષના છગનભાઇને તેમના પત્ની સહિત સાત જણાનો પરિવાર છે. બાળકો મોટા થઇ ગયા હોય તેમના લગ્ન અને ઘરસંસાર વસાવવાની ચિંતા પણ સતાવતી હતી. પરંતુ ચિંતાથી કોઇ સમસ્યાનો ઊકેલ નથી આવતો પરંતુ એક નવી સમસ્યા જરૂર સર્જાય જાય છે. છગનભાઇ સાથે પણ કંઇક એવું જ થયું. એક વખત મધ્યરાત્રીએ તેમને છાતીમાં સખત દુખાવો ઉપડયો. તેઓ દાહોદની રીધમ હોસ્પીટલમાં દાખલ થયા. પરંતુ રોગના ચોક્કસ નિદાન માટેના રીપોર્ટો કરાવાનો ખર્ચો જ છગનભાઇના પરિવારજનોને પોષાય તેઓ નહોતો ત્યાં મોઘીં સારવાર કેવી રીતે કરાવીશું તેની ચિંતા સ્વજનોને સતાવવા લાગી.
રીધમ હોસ્પીટલમાં રાજય સરકાર દ્વારા આરોગ્યને લગતી વિવિધ યોજનાઓનો લાભ અપાતો હોય આ માટેના હોસ્પીટલના વિભાગ દ્વારા છગનભાઇના પરિવારજનોને મુખ્યમંત્રી અમૃત્તમ યોજના વિશે માહિતગાર કરાયા અને આ યોજનાનો લાભ લેવા જણાવાયું. છગનભાઇ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે જીવનભર કોઇ બચત કરી શકયા નહોતા પરંતુ તેમણે મુખ્યમંત્રી અમૃત્તમ યોજના માટેનું કાર્ડ કઢાવ્યું હોય તેમના તમામ રિપોર્ટો, સારવાર-દવા વગેરેનો ખર્ચ રાજય સરકારે ઊઠાવ્યો. છગનભાઇના પરિવારજનો માટે આ એક મોટું સંકટ હતું પરંતુ તેમણે કોઇ આર્થિક સંકટનો સામનો કરવો પડયો નહી અને હોસ્પીટલમાં સઘન સારવાર મળતાં છગનભાઇને રજા મળી ગઇ.
નિરાધાર ભત્રીજી-ભત્રીજાની સંભાળ લેતા કાકા સાથે સંવાદ
ફતેપુરા તાલુકાના ભરતભાઇ તાવિયાડ સાથે પણ મુખ્યમંત્રીશ્રીએ પાલક માતાપિતા યોજનાની વિગતો જાણી હતી. કેટલી સહાય મળે છે, બાળકો ક્યાં અભ્યાસ કરે છે ? સહિતની બાળકોના વિકાસને લગતી તલસ્પર્શી વિગતો મેળવી હતી. અહીં આ સંવાદમાં મુખ્યમંત્રીશ્રીની બાળકો પ્રત્યેના લગાવની ઝલક સ્પષ્ટ જોવા મળતી હતી.
રવીના અને અરુણના પિતા વાલજીભાઇ અખમભાઇ તાવિયાડનું વર્ષ ૨૦૧૪માં ટૂંકી બિમારી સબબ મૃત્યું થયું. તેમની માતા કાંતાબેન સમાજના રીતિરીવાજ મુજબ બાળકો સાથે પોતાના પીયર જતાં રહ્યા. પીયર ગયા બાદ પરિવારજનોની રાજીખુશીથી કાંતાબેનના પુનર્લગ્ન કરવામાં આવ્યા. હવે, માતાના લગ્ન બાદ રવીના અને અરુણનું બચપન અને શિક્ષણ પ્રત્યે પ્રશ્નાર્થ ઉભો થયો. આવા કપરા સંજોગોમાં આ બાળકોના કાકા ભરતભાઇ તાવિયાડ તેમના વહારે આવ્યા !
ઉચ્ચાભ્યાસ કર્યા બાદ ભરતભાઇ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમણે મનમાં ગાંઠ વાળી કે, આ બાળકોનું લાલનપાલન કરી તેમનું ભાવિ ઉજળું બનાવવું. આ સંકલ્પમાં તેમની પત્ની શ્રીમતી ઊમિયાબેનનો સહયોગ મળ્યો. ભરતભાઇએ કાનૂની સંઘર્ષ કરીને બન્ને બાળકોનું વાલીપણું મેળવ્યું. રવીના અને અરુણ ભરતભાઇના પોતાના બાળકો યોગિતા, ક્રિષ્ના અને તન્વી સાથે હળીમળી ગયા. દાદી પણ સંભાળ લેવા લાગ્યા.
એવા ભરતભાઇની જાણમાં આવ્યું કે, રાજ્ય સરકારની પાલકમાતા પિતાની યોજના હેઠળ પ્રતિ બાળક દીઠ રૂ. ૩૦૦૦ની સહાય મળે છે. એમણે દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમમાં આ માટે અરજી કરી. તેમાં બેંક ખાતાની જરૂર હતી. પણ, વાલીની સહી વીના બેંક ખાતું ખૂલે એમ નહોતું. એટલે, ફરી કોર્ટમાંથી ઓર્ડર લાવી બેંક ખાતું ખોલવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા આ સહાય મંજૂર કરવામાં આવી.
ભરતભાઇ કહે છે, અમને સહાય મળતા હવે આ બાળકોની હું સારી રીતે સારસંભાળ રાખી શકું છું. આ બાળકોને સારૂ શિક્ષણ મળે એટલા માટે તેમને મેં ફતેપુરાની ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા છે. રવીના અને અરુણ માટે રાજ્ય સરકાર પણ વાલી બની છે
#Sindhuuyday Dahod