ગરીબ, પીડિતોને રંજાડનારા તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામી જેલ ભેગા કરવામાં આવશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા : રૂ. ૭૭.૬૯ લાખના ખર્ચથી નવનિર્મિત ચાકલિયા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજ્ય મંત્રી શ્રી જાડેજા
રિપોર્ટીંગ : ગગન સોની, ઝાલોદ
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂ. ૭૭.૬૯ લાખના ખર્ચથી નવનિર્મિત ચાકલિયા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર નોધારાનો આધાર છે. ગરીબ, પીડિતોને રંજાડનારા તત્વોને તેની સામે કાયદાનું શસ્ત્ર ઉગામી જેલ ભેગા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. દાહોદના ખેડૂતોને રોજગારી માટે બહારના પ્રાંતમાં ના જવું પડે અને પોતાના જ વતનમાં સારી રીતે ખેતી કરી શકે એ માટે કડાણા સિંચાઇ યોજના થકી તળાવો અને નદીઓ ભરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની દ્રષ્ટિવંત યોજના કિસાન સૂર્યોદય યોજના થકી હવે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે. તેમાં સર્વ પ્રથમ દાહોદ જિલ્લાનો સમાવેશ થયો છે.
૧૯મી સદી તાકાતની હતી, ૨૦મી સદી મૂડીની હતી અને હવે ૨૧મી સદી જ્ઞાનની છે, એક કહી શિક્ષણનું મહત્વ સમજાવતા શ્રી જાડેજાએ ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારના બાળકો પણ ડોકટર અને ઇજનેર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની સુવિધા બહેતર બનાવાઇ છે. તાલુકા મથકોએ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને કોલેજોને બનાવાઇ છે.
ગૃહરાજ્ય મંત્રી શ્રી જાડેજાએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે, વાલીઓ પોતાના બાળકની કેળવણી પ્રત્યે જાગૃત થાય એનું અભિયાન ચલાવવાનો યશ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેમણે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેના પરિણામો આપણી સમક્ષ છે.
વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોની સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઇ રહે એ માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ છે, એમ શ્રી જાડેજાએ અંતે જણાવ્યું હતું.
આ વેળાએ સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સ્વાગત પ્રવચન કરતા એસપી શ્રી હિતેશ જોયસરે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચાકલિયા પોલીસ સ્ટેશન બનતા આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી થશે અને આંતરરાજ્ય સરહદ ઉપર સારી રીતે કામગીરી થઇ શકશે.
આ વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયાર, શ્રી બી. ડી. વાઘેલા, શ્રી નરેન્દ્રભાઇ સોની, શ્રી ભૂરિયા, ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, કમાન્ડન્ટ શ્રી મનિષ સિંઘ, નાયબ પોલીસ અધીક્ષક શ્રી ભાવેશ જાદવ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








