કોરોના વેક્સિન આવતા નાગરિકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે – રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ : દેવગઢ બારીયા ખાતેની સરકારી સબડિવિઝનલ હોસ્પીટલ ખાતેથી કોરોના રસીકરણનો આરંભ કરાવતા રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ
દાહોદ, તા. ૧૬
રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયા ખાતેની સરકારી સબડિવિઝનલ હોસ્પીટલ ખાતેથી કોરોના રસીકરણનો આરંભ કરાવ્યો છે. આ રસીકરણ કેન્દ્ર જિલ્લામાંના ચાર રસીકરણ કેન્દ્રોમાંનું એક છે. આ રસીકરણ કેન્દ્ર ખાતેથી પ્રથમ તબક્કામાં રોજના ૧૦૦ આરોગ્યકર્મીઓનું રસીકરણ કરવામાં આવશે.
રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું કે, કોરોના મહામારીએ આપણી ખૂબ આકરી કસોટી કરી છે. આ કપરા સમયમાં ડોક્ટરો, નર્સો, આરોગ્યકર્મીઓ, આંગણવાડી કાર્યકર્તાઓથી લઇને તમામ કોરોના વોરિર્યસે જોરદાર લડત આપી છે. આ કપરા સમયમાંથી બહાર આવવા આપણે લાંબા સમયથી કોરોનાની રસીની રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે હવે કોરોનાની રસી આવી ચૂકી છે. બે દિવસ પહેલાં જ દાહોદમાં જિલ્લા પંચાયત ખાતે મેં કોરોના વેક્સિનના આગમનનાં વધામણા કર્યા હતા અને આજે દેવગઢ બારીયા ખાતેના રસીકરણ કેન્દ્રનું ઉદ્ધાટન પણ કરી રહ્યો છું.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દેશભરમાં કોરોના રસીકરણનો આરંભ કર્યો છે ત્યારે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. દેશના નાગરિકોને હવે ખાતરી થઇ છે કે દેશ કોરોના મહામારીથી ખૂબ જ ટૂંકા સમયમાં મુક્ત થશે. દાહોદ જિલ્લામાં પણ આજથી વેક્સિનેશનનો આરંભ થઇ ગયો છે. આગામી સમયમાં જેમ જેમ કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ થશે એ પ્રમાણે તમામ નાગરિકોને પણ વેક્સિનેશનના જુદા જુદા તબક્કામાં સમાવેશ કરવામાં આવશે. સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આગામી સમયમાં ૫૦ થી વધુ ઉંમરના નાગરિકોને પણ રસી આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી આપણે દો ગજની દૂરી, સામાજિક અંતર, માસ્ક વગેરે નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે. આ નિયમોને હજુ આપણે જાળવી રાખવાના છે અને તેમનું પાલન કરવું જરૂરી છે. આ પ્રસંગે આપણા કોરોના વોરિર્યસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને હું રાજય સરકાર વતી બિરદાવું છું.
આ પ્રસંગે પશુપાલન નિયામક શ્રી ડો કમલેશ ગોસાઈ, નગર પાલિકાના માજી પ્રમુખ મહેશભાઇ ડોક્ટરો, આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod






