કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમિકો પર ડમ્પર ફરી વળતાં હાઇ-વે મરણચીસોથી ગાજી ઉઠ્યો : અમંગળઃ સુરતમાં ડમ્પરે ૧૫ શ્રમિકોને કચડી માર્યા ઃકાળમુખા ડમ્પરે ૨૦ જેટલા શ્રમિકોને કચડ્યા, ૪ ગંભીર રીતે ઘાયલ, મોતનો આંક વધવાની શક્યતા, પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી, નશામાં હોવાની પોલીસને આશંકા, સમગ્ર ઘટનાથી આખા રાજ્યમાં ચકચાર મચી ઃફૂટપાથ પર મીઠી નિદ્રા માણી રહેલા શ્રમિકોનાં ઊંઘમાં જ મોત, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ૨ – ૨ લાખની સહાયની જાહેરાત, વડાપ્રધાન મોદી સહિત નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
(જી.એન.એસ)સુરત,તા.૧૯
સુરતમાં મંગળવારે કાળમુખા ડમ્પરે રાજસ્થાનથી છૂટક મજૂરી કરી આજીવિકા રળવા આવેલા અને ફૂટપર પર ઊંઘી રહેલા કેટલાય લોકોને કચડી નાખી કાળનો કોળિયો બનાવી લેતા ભયાવહ કરૂણાંતિકા સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ કિમથી માંડવ તરફ જઈ રહેલા એક બેકાબુ ડમ્પર રસ્તાની બાજુમાં ઊંઘી રહેલા કેટલાક લોકો પર ફરી વળ્યું હતું જેને પગલે ૧૫ જેટલા લોકોના મોત થયા છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડમ્પર ચાલક તેમજ ક્લિનરની ધરપકડ પણ કરવામાં આવી છે.
સુરતની નજીક કોસંબા ગામ પાસે ડમ્પર માતેલા સાંઢની જેમ રસ્તા પર ઊંઘી રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બાંધકામ ક્ષેત્રમાં છૂટક મજૂરી કરતા કેટલાક શ્રમજીવીઓ કિમ-માંડવી રોડ પર રસ્તાની ફૂટપાટ પર રહેતા હતા. રાત્રે ૧૨ વાગ્યા આસપાસ ભર ઊંઘમાં રહેલા મજૂરો પર ડમ્પર કાળ બનીને ફરી વળ્યું હતું જેમાં ૧૨ જેટલા લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા અને ત્રણ જેટલા લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બેકાબૂ બનેલા ડમ્પરે ચારથી પાંચ દુકાનોના શેડ પણ તોડી નાખ્યાં હતા. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા બાદ ડમ્પર ચાલકે ફૂટપાથ કૂદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું. જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર બોલવાની કે ચાલવાની પણ હાલતમાં ન હતા, જેને પગલે ડ્રાઈવર અને કંડક્ટર દારૂ અને ગાંજાના નશામાં હોવાની પોલીસને આશંકા છે. બંનેને સારવાર અને રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે.
રાજ્ય સરકારે આ ગોઝારી દુર્ઘટના બદલ ખેદ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનો માટે રૂ. ૨-૨ લાખની સહાયની જાહેરાત કરી હતી.
આ ભયાવહ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે સુરતથી ૬૦ કિ.મી. દૂર આવેલા કોસંબા ગામ પાસે મંગળવારે ૧૨ વાગ્યા આસપાસ એક ડમ્પર માંડવથી કિમ તરફ જઈ રહ્યું હતું. ડમ્પરે પહેલા શેરડીથી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી અને બાદમાં ડમ્પરચાલકે કાબૂ ગુમાવતા તે રસ્તાની બાજુમાં ચઢી ગયું હતું. સુરતના પોલીસ સુપરીટેન્ડેન્ટ ઉષા રાડાએ જણાવ્યું હતું કે ડમ્પર નીચે કચડાઈ જવાથી મજૂરોના મોત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારજનોને રૂ. ૨-૨ લાખની એક્સ ગ્રેશિયા સહાયની જાહેરાત કરી છે તેમજ ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ની મદદ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યાલયે ટ્વીટને કરીને જણાવ્યું હતું કે, સુરત નજીક બનેલી આ કરૂણાંતરિકા ભયાવહ છે. મૃતકોના પરિવારજનોને સાંત્વના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના.