ધોની દુનિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરઃ ઇમરાન તાહિર
(જી.એન.એસ.)જાેહાનિસબર્ગ,તા.૩૧
સાઉથ આફ્રિકાના પૂર્વ લેગ સ્પિનર ઇમરાન તાહિરે ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઘણી જ પ્રશંસા કરી છે. તાહિરે ધોનીને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ગણાવ્યો છે. તાહિર આઈપીએલમાં છેલ્લી ત્રણ સીઝનમાં ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે માટે રમી રહ્યો હતો. તે આગળ પણ ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે માટે રમવા ઇચ્છે છે. ઇમરાન તાહિરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “ધોની સાથે રમવું મારા માટે ખુશીની વાત છે. હું છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે રમું છું. મારા માટે તે મહાન માણસ છે.”
ઇમરાન તાહિરે કહ્યું કે, “ધોનીને રમતની ઊંડી સમજ છે. તે દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. ધોનીને ખબર રહે છે કે મેદાનમાં ફિલ્ડરને ક્યાં ઉભા રાખવા. અમારે આવીને ફક્ત બોલિંગ કરવાની રહે છે. તમે ક્રિકેટર તરીકે તેમની પાસેથી ઘણું બધુ શીખી શકો છો. હું મારી ટીમમાં હંમેશા તેમને રાખીશ. હું ઇચ્છુ છું કે નજીકના ભવિષ્યમાં પણ સીએસકે માટે રમતો રહું.” ૨૦૨૦ની આઈપીએલમાં સીએસકે લીગ મેચોમાં જ બહાર થઈ ગઈ હતી, પરંતુ તાહિરને લાગે છે કે ૨૦૨૧માં સીએસકે પોતાનું નસીબ ફેરવશે અને એકવાર ફરી જીતશે.
તાહિરે આગળ કહ્યું કે, “આઈપીએલની ગત સીઝનમાં અમે નિરાશ હતા, કેમકે અમે જીતી નહોતા શકી રહ્યા, પરંતુ જીતવું હંમેશા સંભવ નથી. મારું માનવું છે કે ટીમનું કલ્ચર ઘણું જ મહત્વપૂર્ણ છે.” તેમણે કહ્યું કે, “આઈપીએલની નવી સીઝનમાં અમને સારા પ્રદર્શનની આશા છે. અમે સખ્ત મહેનત કરવા જઇ રહ્યા છીએ અને સારી રણનીતિની સાથે ઉતરીશું. આશા છે કે અમે સીએસકે માટે આ વર્ષે સારું કરીશું. અમે લોકો ટીમ માટે ૫૦૦ ટકા આપીશું.”

