દાહોદ જિલ્લામાં આગના બે બનાવો બન્યા ઃ બારીયાના આમલી પાણીછોત્રામાં આગથી રૂા.૮પ,૦૦૦નું નુકશાન ઃ ગરબાડા તાલુકાના અભલોડ ગામે મકાનમાં આગ લાગતા ૧પ૦૦૦નું નુકશાન
દાહોદ, તા.ર
દે.બારીયા તાલુકાના આમલી પાણીછોત્રા ગામે એક મકાનના રસોડામાં સળગતા ચુલામાંથી અચાનક તણખો મકાનની છત બાજુ પડતા અચાનક આગ ફાટી નિકળતા આગમાં મકાઈ, તુવેર તેમજ ઘરવખરી સામાન બળી જતા અંદાજે રૂા.૮પ,૦૦૦નું નુકશાન થયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના આમલીપાણી છોત્રા ગામે રહેતા કુવરસીંહ સુરસીંહ નાયકના મકાનમા રસોડામાં આવેલ ચુલો સળગાવી ગતરોજ સવારે આઠ વાગ્યે જમવાનું બનાવવાનું આવતુ હતુ તે દરમ્યાન ચુલામાંથી એક તણખો ઉડી અચાનક મકાનની છત બાજુ પડતા આગ લાગી ગઈ હતી. આ અંગેની જાણ દે.બારીયા ફાયર બ્રિગેડને કરાતા બારીયાથી ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી વધુ નુકશાન થતુ અટકાવ્યું હતુ. આગમા મકાઈ, તુવેર તથા ઘરવખરીનો સામાન સંપુર્ણ બળી જતા અંદાજે રૂા.૮પ,૦૦૦નું નુકશાન થયું હતુ.
ગરબાડા તાલુકાના અભલોડ ગામના ચાંદણીયા ફળીયામાં અકસ્માતે એક કાચા મકાનમાં અકસ્માતે આગ ફાટી નિકળતા ઘરવખરી સામાન તથા છત પરના વિલાયતી નળીયા બળી જતા આશરે રૂપિયા ૧પ હજારનું નુકશાન થયાનું જાણવા મળેલ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
પ્રાપ્ત વિગત અનુસાર અભલોડ ગામના ચાંદણીયા ફળીયામાં રહેતા પપ વર્ષીય રમેશભાઈ ચુનીયાભાઈ પલાસના મકાનમાં ગતરોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે અકસ્માતે આગ ફાટી નીકળતા આગમાં ઘરવખરીનો સામાન તથા છત પરના વિલાયતી નળીયા બળી જતા આશરે રૂા.૧પ હજારનું નુકશાન થવા પામ્યું હતુ.
આ સંબંધે અભલોડ ગામના ચાંદણીયા ફળીયામાં રહેતા પપ વર્ષીય રમેશભાઈ ચુનીયાભાઈઈ પલાસે જેસાવાડા પોલીસ સ્ટેશને લેખિત જાણ કરતા પોલીસે આગ અંગેની જાણવાજાેગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

