અત્યાર સુધી ૧૫ લોકોના મૃતદેહ મળ્યા : ઉત્તરાખંડમાં ટનલમાં રેસ્ક્યૂ ચાલુ, હજુ ૩૦ લોકો ફસાયેલા, ૨૦૦થી વધુ ગુમ : ૩૦૦ જવાનો દ્વારા ટનલ સાફ કરવાની કામગીરી હાથ ધરાઇ

(જી.એન.એસ.)ચમોલી,તા.૮
ગઇકાલે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા લોકો પણ તણાઇ ગયા છે. અત્યાર સુધી ૧૫ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે ૨૦૦થી વધુ લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક તંત્ર, સેના અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ ચાલી રહ્યું છે.
આ દૂર્ધટનામાં લગભગ ૨૦૩ લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ૧૫ મૃતદેહ મળ્યા છે. તપોવનની નાની ટનલમાં રેસ્ક્યૂ કરી ૧૨ લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા છે. જ્યારે મોટી ટનલમાં કાટમાળ દૂર કરવામાં આવી રહ્યું છે. આર્મી સહિત એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે. જાે કે, આ ટનલ લગભગ બે કિમી લાંબી છે અને હાલ લગભગ ૧૦૦થી ૨૦૦ મીટર સુધીનો જ માર્ગ સાફ થયો છે.
તપોવન ટનલ પાસે આઇટીબીપીનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અહીં સ્નિફર ડોગની મદદ લેવાઇ રહી છે. સોમવારે સવારે ઉત્તરાખંડમાં વાયુસેના રેસ્ક્યૂ ઓપરેશનમાં જાેડાઇ છે. સાથે જ દેહરાદૂનથી પણ જાેશીમઠ માટે જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે.
કહેવાઇ રહ્યું છે કે, એક સુરંગમાં લગભગ ૩૦ લોકો ફસાયેલા છે. જ્યારે ૩૦૦ જવાનો દ્વારા ટનલ સાફ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે, લગભગ ૧૭૦ લોકો ગુમ છે. જ્યારે ગઇકાલે ૧૨ લોકોને બચાવવામાં આવ્યા હતા, તે એક બીજી ટનલ હતી.
બીજી બાજુ, ચમોલી પાસે રૈની ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અહીં ઋષિ ગંગા પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!