રહસ્યમય બીમારી ફેલાતા લોકોમાં ફફડાટ : તાન્ઝાનિયામાં લોહીની ઉલ્ટીઓથી અત્યાર સુધી ૧૫ના મોત, ૫૦ સંક્રમિત
(જી.એન.એસ.)ડોડોમા,તા.૯
તાન્ઝાનિયામાં એક રહસ્યમય બીમારી ફેલાયાના સમાચાર છે. આ અજ્ઞાત બીમારીથી પીડિત લોકોને લોહીની ઉલટીઓ થઇ અને અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે. કહેવાય છે કે અત્યાર સુધી આ બીમારીથી ૫૦ લોકો પીડિત થઇ ચૂકયા છે. આ બધાની વચ્ચે તાન્ઝાનિયા સરકારે રહસ્યમય બીમારીનો ખુલાસો કરનાર ચુન્યા જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર ફેલિસ્તા કિસાંદૂને સસ્પેન્ડ કરી દીધા છે.
કિસાંદૂએ કહ્યું હતું કે સંક્રમણની તપાસ માટે લોહીના નમૂનાની તપાસ માટે મોકલી દીધા છે પરંતુ તાન્ઝાનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોઇ પ્રકોપના સંકેત નથી. મંત્રાલયે કહ્યું કે બિનજરૂરી ડર ઉભો કરવા માટે કિસાંદૂને સસ્પેન્ડ કરી દીધા છે. આની પહેલાં કિસાંદૂએ તુર્કીની અનાદોલુ એજન્સીને કહ્યું હતું કે દર્દીઓ જેમાં મોટાભાગના પુરુષ છે તેમને પેટ અને અલ્સરની મુશ્કેલી થઇ છે. તેમને સિગારેટ તથા હાર્ડ ડ્રિંકનો ઉપયોગ ના કરવાની કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ટોચના સરકારી કેમિસ્ટ લોહી અને પાણીના નમૂનાની તપાસ કરશે જેથી કરીને મરકરી પ્રદૂષણની તપાસ કરી શકાય. કિસાંદૂ એ કહ્યું કે આ મોતો ઇફૂમ્બોના એક વૉર્ડમાં થયું છે. આ વૉર્ડમાં દાખલ દર્દીઓએ લોહીની ઉલટી કરી અને તેમનું મોત થઇ ગયું. બીજીબાજુ તાન્ઝાનિયાના સ્વાસ્થ્ય મંત્રી ડોરોથી ગ્વાજિમાએ આ આખા મામલા પર ધ્યાન ના આપવાનું કહ્યું છે અને કિસાંદૂને લોકોમાં ડર ઉભો કરવાના આરોપમાં ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો.
સ્વાસ્થ્ય મંત્રીએ મેડિકલ કાઉન્સિલને આખા મામલાની તપાસ માટે કહ્યું પરંતુ આ દાવાને રદ કરી દીધો કે વિસ્તારમાં મહામારી ફેલાઇ છે. ૨૦૧૮ની સાલમાં આ વિસ્તારમાં આ પ્રકારની બીમારી ફેલાઇ હતી. કેટલાંય લોકોને તાવ, ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો. બીજીબાજુ તાન્ઝાનિયામાં કોરોના વાયરસને લઇ રાષ્ટ્રપતિ જૉન માગૂફુલી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે પ્રાર્થનાના લીધે તાન્ઝાનિયામાં કોરોનાનો પ્રકોપ થોભી ગયો છે.