દાહોદનું વડીલ વૃક્ષ ! જૂના વડિયાનો સીમળો સવાસો વર્ષ બાદ પણ તરોતાજા ઃ ખાંડીવાવ ફળિયામાં રહેતા ૯૦થી વધુ પરિવારો માટે સવાસો વર્ષનો આ અલગારી સીમળો દાદા સમાન

દાહોદ તા.૧૧
લીમખેડા તાલુકાના જૂના વડિયા ગામના ખાંડીવાવ ફળિયામાં આવેલું સીમળાનું વૃક્ષ સમગ્ર દાહોદનું ‘વડીલ’ છે. પોતાના આયુષ્યના સવાસોથી પણ વધુ વર્ષો વળોટી ચૂકેલા આ વૃક્ષનો વન વિભાગ દ્વારા હેરિટેજ વૃક્ષમાં સમાવેશ તો કરવામાં આવ્યો છે, સાથે તે કાળની થપાટો ખમી અનેક ઘટનાઓનું સાક્ષી છે. ખાંડીવાવ ફળિયામાં રહેતા ૯૦થી વધુ પરિવારો માટે આ અલગારી સીમળો દાદા સમાન છે. ગ્રામજનો પણ તેનું સારી રીતે જતન કરવામાં આવે છે.
આ સીમળા વિશે માહિતી આપતા નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર કહે છે, તેને વન વિભાગ દ્વારા વૃક્ષ વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો કુલ ઘેરાવો ૧૦.૮ મિટરનો છે. પડછંદ કાયા ધરાવતા ચારેક વ્યક્તિ માનવ સાંકળ રચે ત્યારે તેનું થડ માપી શકાય ! સીમળાની ઉંચાઇ ૩૫ મિટર અંદાજવામાં આવી છે. બીજા શબ્દોમાં કહી તો આ સીમળો ત્રણચાર માળના એપાર્ટમેન્ટ જેટલું ઉંચુ છે. તેની બાજુમાં ઉભા રહી ટોચ ઉપર નજર નાખવા શીરોબિંદુ સુધી ઉંચુ જાેવું પડે.
વૃક્ષોનું આયુષ્યનો અંદાજ લગાવવાનું કેટલીક પદ્ધતિ છે. તેના આધારે આ સીમળાનું આયુષ્ય સવાસો વર્ષ કરતા વધુ હોવાનું વન વિભાગ દ્વારા અંદાજવામાં આવે છે. પણ, ગામના કેટલાક વડીલો પૈકી ૫૬ વર્ષીય પ્રતાપભાઇ નિનામા અને ૬૦ વર્ષના નગરસિંગભાઇ સુરપાલભાઇ નિનામા તો એમ કહે છે કે, અમારા દાદા અમને એવું કહેતા આ સીમળો તેઓ નાના હતા ત્યારથી એવોને એવો છે. એટલે તેની ઉંમર બસો વર્ષથી વધુ હોઇ શકે છે.
ખાંડીવાવના ફળિયામાં રંગલીબેન હરસિંગભાઇ ડિંડોરના ખેતરમાં આ સીમળા દાદાના બેસણા છે ! વૈશાખથી અષાઢ માસ દરમિયાન સીમળા ઉપર પર્ણો બેસે છે. તે બાદ હોળી આસપાસ ફાગણ માસમાં તેના ઉપર કેસરિયા ફૂલ બેસે છે. ફૂલ બેસે એટલે કોઇ અવધૂતે શણગાર સજ્યો હોય એવો સીમળો લાગે !
ખાંડીવાવ ફળિયું એટલે કુદરત વચ્ચે વસેલી માનવ વસાહત ! તેના ચામેર નાની ટેકરીઓ છે. વૃક્ષો છે. નાનું તળાવ છે. ખેતરો છે. સર્વાંગ સંપૂર્ણ કુદરતી માહોલ ! અહીંના અબાલવૃદ્ધ, સૌના માટે આ સીમળો હળવામળવાનું સ્થળ છે. ગામના વડીલો સવાર સાંજ અનુકૂળતા મુજબ અહીં ઓટલા પરિષદ ભરે છે. બાળકો માટે રમવાનું સ્થાન છે. જાે કે, સીમળા ઉપર ચઢી શકાતું નથી.
ગામના લોકો આ વડીલ વૃક્ષને પોતાના પરિવારનું સભ્યની જેમ જતન કરે છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!