દાહોદ પોલીસનો સપાટો – ચૂંટણીને લઇને જિલ્લાના ૯૫૦૦ વ્યક્તિ સામે અટકાયતી પગલાં : દાહોદ પોલીસે ૨૭ દિવસોમાં રૂ. ૬૦ લાખનો દારૂ પકડી પાડ્યો, ૬૧૭ શખ્સો સામે બિનજામીનપાત્ર વોરંટ

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૮ને રવિવારે યોજનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાઇએ એ માટે પોલીસ દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૯૫૦૦ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. બીજી બાજુ કાયદાની પકડથી બચવા નાસતા ફરતા ૧૪૯ વ્યક્તિને પોલીસે પકડી પાડી છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ધ્યાને રાખીને ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડાએ આપેલી સૂચના પ્રમાણે જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જડબેસલાક પ્લાન બનાવ્યો છે. શ્રી ભરાડાએ પાડોશી રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે પણ એક બેઠક કરી હતી.

જેના પગલે આંતરરાજ્ય ઉપરાંત આંતરજિલ્લા સરહદો ઉપર પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આવા ૨૪ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. અહીં ગોઠવવામાં આવેલા બંદોબસ્તને પગલે ગત્ત તા. ૨૩થી અત્યાર સુધીમાં દાહોદ પોલીસ તંત્રએ મુદ્દામાલ સહિત રૂ. ૬૦ લાખનો દારૂ પકડી પાડ્યો છે. આ ઉપરાંત, ચૂંટણીના દિવસે પાડોશી રાજ્યના જિલ્લાઓને ડ્રાયડે રાખવા વિનંતી કરાઇ છે.

ચૂંટણીલક્ષી કામગીરીની વિગતો આપતા જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, પોલીસ તંત્ર દ્વારા પરવાનેદારો પાસેથી અત્યાર સુધીમાં કુલ ૪૭૮૩ હથિયારો જમા લેવામાં આવ્યા છે. ભૂતકાળની પ્રવૃત્તિને ધ્યાને રાખીને ૧૨ શખ્સોને દાહોદ જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૨૮ વ્યક્તિ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે. એવી જ રીતે ૬૧૭ વ્યક્તિ સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

શ્રી જોયસરે ઉમેર્યું કે, દાહોદ જિલ્લાના નાગરિકો કોઇ પણ ભય વિના મતદાન કરી શકે એ માટે પોલીસ દ્વારા યોગ્ય પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણીની પ્રક્રીયા પણ કોરોના વાયરસ અંગે સરકારની માર્ગદર્શિકા મુજબ યોજાઇ રહી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન, મતદાનના દિવસે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોઇ પણ પ્રકારના વિખવાદ ના સર્જાય, આપસી ભેદભાવ ના થાય અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઇ રહે એ જરૂરી છે. એટલે, તેમણે લોકોને આ બાબતે સહયોગ આપવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે કોઇ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરશે, તો તેની સાન ઠેકાણે લાવી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: