ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું આવતીકાલે દાહોદમાં આગમન
દાહોદ, તા.રર
દાહોદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવતી કાલે હેલીકોપ્ટર દ્વારા દાહોદ આવશે ત્યાર બાદ બાઈક રેલી યોજાશે અને બપોરના બે વાગ્યે સભા યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા ભાજપમાંથી ટિકીટ ન મળતા પક્ષ સામે જ ઉમેદવવારી કરનાર ર૩ કાર્યકરોને ગઈકાલે બરતરફ કરવામાં આવ્યા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ૧ર.૪પ કલાકે હેલીકોપ્ટર મારફતે દાહોદ આવશે અને આઈટીઆઈથી એક વિશાળ બાઈક રેલી નિકળશે જે સ્ટેશન રોડ ગોવિંદનગર બહારપુરા પડાવ થઈ ઈન્દોર-દાહોદ હાઈવે સ્થિત મહેન્દ્ર શોરૂમથી સામેના મેદાનમાં સભા યોજાશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલ પ્રથમ વખત દાહોદ આવી રહ્યા છે.

