દાહોદ જિલ્લામાંથી કુલ ૪ મોટરસાઈકલો ચોરાતાં વાહન ચાલકોમાં આક્રોશ
દાહોદ તા.૦૭
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામેથી એકજ રાત્રીમાં એક સાથે ૩ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં પંથકમાં વાહન ચોર સક્રિય થયેલ ટોળકીના આ આતંકને પગલે ખળભળાટ સાથે આક્રોશ ફેલાવા પામ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાંથી પણ એક મોટરસાઈકલ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાતાં આ ચોરી થયેલ મોટરસાઈકલને સંબંધે દેવગઢ બારીઆ અને દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વાહન ચોર ટોળકીને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે.
પીપલોદ ગામે રહેતા વિજયભાઈ જનીયાભાઈ રાઠવા, પીપલોદ બસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વિજયકુમાર રમેશભાઈ અમલીયાર અને પીપલોદ બજારમાં શ્રીજી સોસાયટીમાં પણ ભાડાના મકાનમાં માં પણ ભાડાના મકાનમાં રહેતા પ્રદિપસિંહ અરૂણસિંહ રાઠોડ આ ત્રણેય વ્યક્તિઓને પોત પોતાની મોટરસાઈકલને ઘરના આંગણે ગત તા.૦૨મી માર્ચના રોજ લોક મારી પાર્ક કરી હતી. આ ત્રણેય મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલોના લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે વિજયભાઈ જનીયાભાઈ રાઠવાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી મોટરસાઈકલ ચોર ટોળકીને ઝબ્બે કરવાના ચક્રોગતિમાન કર્યાં છે.
મોટરસાઈકલ ચોરીનો એક બનાવ દાહોદ શહેરમાં પણ બનવા પામ્યો છે જેમાં દાહોદ ચાકલીયા રોડ અનાજ ગોડાઉનની સામેથી લક્ષ્મણભાઈ માંગીલાલ મીણાની પણ મોટરસાઈકલની ઉઠાંતરી થતાં આ સંબંધે લક્ષ્મણભાઈ મીણા દ્વારા પણ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

