ધાનપુર કોર્ટમાં પ્રોહીનો ગુન્હેગાર પોલીસની નરજ ચુકવી ફરાર
દાહોદ, તા.૧૦
ધાનપુર પોલીસે રિમાન્ડ માટે ધાનપુર કોર્ટમાં હાજર રહેલા પ્રોહીના ગુનાના બે આરોપીઓને ૧ દિવસના રિમાન્ડ મંજુર થતા રિમાન્ડ વોરંટ, રીમાંડ યાદી તથા કસ્ટડી યાદીની ઓસી કોપી તેમજ તેમા સહી કરાવવાની કામગીરી દરમ્યાન બે આરોપીઓ પૈકી એક આરોપી તકનો લાભ લઈ જાપ્તા પોલીસની નજર ચુકવી ધાનપુર કોર્ટના કમ્પાઉન્ડની દિવાલ કુદી ભાગી જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનામાં પકડેલા ધાનપુર તાલુકાના ભાણપુર ગામના પીપળીધરા ફળીયાના પપ વર્ષીય સબુરભાઈ હરમલભાઈ પરમાર તથા અનેસીંગ ઉર્ફે બકો કોરમભાઈ પરમારને ધાનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિદેશકુમાર કિરાસીંહ તથા હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો રિમાન્ડની કાર્યવાહી માટે પોલીસ જાપ્તા સાથે ધાનપુર કોર્ટમાં ગઈકાલે લઈ ગયા હતા અને કોર્ટમાં રજુ કરતા અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તે બંનેના ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જેથી હેડ કોન્સ્ટેબલ વિદેશકુમાર કીરાસીંહ બંને આરોપીઓના રિમાન્ડ વોરંટ, રિમાન્ડ યાદી તથા કસ્ટડી યાદીની ઓસી કોપી લેવા માટે તેમજ રિમાન્ડની સમજ અંગે કલાર્ક પાસે તેઓની સહી કરાવવાની કાર્યવાહી કરતા હતા. તે દરમ્યાન આરોપી પપ વર્ષીય સબુરભાઈ હરમલભાઈ પરમાર તકનો લાભ લઈ જાપ્તા પોલીસની નજર ચુકવી ધાનપુર કોર્ટના કમ્પાઉન્ડની દિવાલ કુદી નાસી ગયો હતો. તેને પકડવા પોલીસ દોડી પણ હતી પણ ત્યાં સુધી તો તે ક્યાંય નિકળી ગયો હતો.
આ સંબંધે ધાનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિદેશકુમાર કિરાસીંહે નોંધાવેલ ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.