દાહોદ તાલુકાના રામપુરા ગામે પચ્ચીસેક દિવસ પહેલા મળેલ બોરવાણી રેલ્વે ટ્રેક પાસે મળેલ લાશના મામલે ૧૯ જેટલા ઈસમોએ ધિંગાણું મચાવી ફળિયાના માણસોના ઘરોમાં ઘુસી જઈ તોડફોડ કરતાં ચકચાર
દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના રામપુરા ગામે રહેતા એક યુવકની લાશ પચ્ચીસ દિવસ અગાઉ બોરવાણી ગામના રેલ્વે ટ્રેક પાસેથી મળી આવી હતી અને શકમંદોના આધારે રામપુરા ગામે રહેતા કેટલાક વ્યક્તિતઓ વિરૂધ્ધ અંગત અદાવતે યુવકની હત્યા કરાઈ હોવાની ફરિયાદ પણ નોંધાવા પામી હતી ત્યારે આ મામલે મરણ જનાર યુવકના ફળિયામાં રહેતા ૧૯ જેટલા ઈસમોના ટોળાએ મારક હથિયાર ધારણ કરી ગામમાંજ રહેતા બીજા એક ફળિયામાં આવી તમારા ફળિયાના માણસોએ અમારા ફળિયાના યુવકને મારી નાંખ્યો હોવાના આક્ષેપો સાથે બેફામ ગાળો બોલી, કીકીયારીઓ કરી ઘરોમાં ટોળુ ઘસી આવી તોડફોડ સહિત સરસામાન વિરવિખેર કર્યાં બાદ ભારે ધિંગાણું મચાવી ટોળું નાસી જતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો. આ સંબંધે ટોળા વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ટોળાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
રામપુરા ગામે રહેતા રમુડાભાઈ મનસુખભાઈ મેડાની લાશ ગત તા.૧૫.૦૨.૨૦૨૧ના રોજ બોરવાણી ગામે રેલ્વે ટ્રેક પાસેથી મળી આવી હતી. આ સંબંધે રામપુરા ગામે ભુરીયા ફળિયામાં રહેતા સુરતાબેન વસંતભાઈ ભુરીયા સહિતના માણસો દ્વારા રમુડાભાઈ મેડાને અંગત અદાવતે મોતને ઘાટ ઉતાર્યા હોવાની શકમંદોના આધારે ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગેની અદાવત રાખી ગત તારીખ ૦૭મી માર્ચ ૨૦૨૧ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના આસપાસ ભુરીયા ફળિયામાં રહેતા ગનીયાભાઈ મકુભાઈ ભુરીયા તથા તેમના પરિવારજનો ઘરે હાજર હતાં તે સમયે રામપુરા ગામે મેડા ફળિયામાં રહેતા રમકાબાઈ મનસુખભાઈ મેડા, દિનાભાઈ મનસુખભાઈ મેડા, સંજયભાઈ મનસુખભાઈ મેડા, બાબુભાઈ નરસીંગભાઈ મેડા, રમેશભાઈ નરસીંગભાઈ મેડા, હવલાભાઈ સમસુભાઈ મેડા, વિનોદભાઈ હવલાભાઈ મેડા, રાજુભાઈ વરસીંગભાઈ મેડા, સંજયભાઈ વાલચંદભાઈ મડા, વિજયભાઈ વાલચંદભાઈ મેડા, રાહુલભાઈ રમેશભાઈ મેડા, શનાભાઈ રમેશભાઈ મેડા, શૈલેષભાઈ શનાભાઈ મેડા, મોઈલાભાઈ રમણભાઈ મેડા, સંતોષભાઈ લક્ષ્મણભાઈ સંગાડીયા, ધર્મેશભાઈ રાજુભાઈ મેડા તેમજ રમેશભાઈ તેરસીંગભાઈ તડવી, દિપસીંગભાઈ તડવી (બંન્ને રહે.કંબોઈ) અને મંગાભાઈ વિરસીંગભાઈ સંગાડા (રહે.રોઝમ, ઉભડ ફળિયું) નાઓ ગેરકાયદે મંડળી બનાવી, એકસંપ થઈ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી તેમજ કીકીયારીઓ કરી ગનીયાભાઈ ભુરીયાના ઘર તરફ ઘસી આવ્યાં હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો ભુરીયા ફળિયાના માણસોએ અમારા મેડા ફળિયાના રમુડાભાઈ મેડાને મારી નાંખેલ છે, તેમ કહી ગનીયાભાઈ ભુરીયા તથા તેમના માણસો તેમજ પરિવારજનોને ડરાવી ભગાવી દીધા હતા અને આસપાસના ઘરોમાં ઘુસી જઈ ટોળાએ ઘરોમાં ગેરકાયદે પ્રવેશ કરી ઘરમાં તોડફોડ, ઘરના નળીયાની તોડફોડ તેમજ સામાનની તોડફોડ કરી ભાગે ધિંગાણું મચાવી, તમોને ગામમાં રહેવા દેવાના નથી અને ગામમાં આવશો તો જીવતા નહીં છોડીયે અને મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો.
આ સંબંધે રામપુરા ગામે ભુરીયા ફળિયામાં રહેતા ગનીયાભાઈ મકુભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.