બિહારમાં બુરાડી કાંડ પાર્ટ-૨, પાંચ સભ્યોએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી : સુપૌલમાં ત્રણ બાળકો સહિત પરિવારના પાંચ લોકોની આત્મહત્યાથી સનસનાટી
જી.એન.એસ.)સુપૌલ,તા.૧૩
બિહારના સુપૌલથી દિલ્હીના બુરાડી જેવી જ ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ૫ સભ્યોએ એક સાથે ગળેફાંસો ખાઈ આત્મહતા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પતિ-પત્ની અને તેમના ૩ બાળકો સહિત ૫ લોકોએ મોતને વ્હાલુ કર્યું હતું. આ ઘટના સામે આવતા ફરી એકવાર લોકોને બુરાડી કાંડની યાદો તાજી થઈ ગઈ હતી.
ઘટના સુપૌલી જીલ્લાના ગદ્દી ગામની છે, જ્યાં મોડી રાત્રે મિશ્રી લાલ સાહના ઘરમાંથી ભયાનક દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ થઈ હતી. ગામના સરપંચે મોડી રાત્રે ૯ વાગ્યે ગામલોકોની મદદથી મિશ્રી લાલના ઘર પરની બારી તોડી તો પરિવારના ૫ સભ્યો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. તમામ મૃતદેહ કોહવાઈ ગયેલી સ્થિતિમાં હાથ લાગ્યા હતાં.
બંધ ઘરમાં એક જ પરિવારના તમામે તમામ ૫ સભ્યો લટકતા મળ્યાં હતાં. આ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. ગામના સરપંચે કહ્યું હતું કે, મૃતક પરિવારની ગામમાં કોઈની સાથે કોઈ જ દુશ્મની નહોતી. મિશ્રી લાલ પાસે કોઈ રોજગારી નહોતી. જેથી માની શકાય આર્થિક તંગીના કારણે પરિવારે ૫ થી ૬ દિવસ પહેલા આત્મહત્યા કરી હશે.
ઘટનાની જાણકારી મળતા જ રાત્રે ૧૨ વાગ્યે બીરપુર એસપી, સુપૌલી પોલીસ અધિક્ષક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં અને આ કેસની તપાસ હાથ ધરી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં જ ગામ આખુ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ હતું. હ્લજીન્ની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ગામ લોકો સાથે વાતચીત કરી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજધાની દિલ્હીને અડીને આવેલા બુરાડી ગામમાં એક જ પરિવારના ૧૧ લોકોએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ દેશભરમાં સનસનાટી મચાવી દીધી હતી.
રાધોપુરના એસપી મનોજ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું અને હ્લજીન્ની ટીમથી પણ તપાસ કરાવવામાં આવી રહી છે. અડોશપડોશના લોકોનું કહેવું છે કે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને છેલ્લાં બે વર્ષથી જમીન વેચીને ગુજરાન ચલાવતા હતા. પરિવાર કોલસા વેચવાનો વેપાર કરતો હતો, જે લોકડાઉનમાં બંધ થઈ ગયો હતો. પરિવારે આસપાસના લોકોને પણ મળવાનું બંધ કરી દીધું હતું. મૃતકોમાં મિશ્રી લાલ સાહ, તેમની પત્ની રેણુ દેવી અને તેમની બે સગીર દીકરી અને એક દીકરો સામેલ છે.