સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં હારી જતાં એકને ફટકારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૯
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં હારી ગયેલ ઉમેદવારોના પરિવારજનો દ્વારા એક વ્યક્તિને લાકડી વડે, લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ઝાલોદ તાલુકાના રણિયાર ગામે સરકારી કોળીવાડ વિસ્તારમાં રહેતા વિજયભાઈ ઉર્ફે પ્રવિણભાઈ કોળી ગત તા.૧૭મી માર્ચના રોજ પોતાના કબજાનું મોટરસાઈકલ લઈ ઈલેક્ટ્રીશયનનો સરસામાન લેવા માટે પી.ડબલ્યુ ડી. ઓફિસ પાસે આવ્યાં હતા. આ દરમ્યાન રણિયાર ગામે રહેતાં નાનજીભાઈ ભાભોર, પ્રદિપભાઈ વાઘેલા, પ્રદિપભાઈ નાનજીભાઈ ભાભોર, ગૌરાંગ શૈલેષભાઈ ભાભોર, નિકુંજભાઈ ભાભોર બીજાે એક ઈસમ મળી ૬ જણા પોતાની સાથે લોખંડની પાઈપ, લાકડીઓ વિગેરે લઈ વિજયભાઈ પાસે આવ્યાં હતાં અને નાનજીભાઈની બહુ તાલુકા પંચાયત પદ પરથી ઉમેદવારી નોંધાવી હતી જે વિજયભાઈના કારણે હારી ગયા હોવાના આક્ષેપો સાથે વિજયભાઈને લોખંડની પાઈપ વડે અને લાકડીઓ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત વિજયભાઈ ઉર્ફે પ્રવિણભાઈ કોળી દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.