ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે જુગાર રમી રહેલા ૦૬ જણાને પોલીસે ઝડપી પાડ્યાં ઃ રૂા.૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૨૦
ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલ ૭ જેટલા નબીરાઓ પૈકી ૬ને પોલીસે દબોચી લઈ રોકડા રૂપીયા, મોટરસાઈકલ તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧,૭૯,૩૬૦ ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.
ભાવપુરા ગામે ખુલ્લી જગ્યામાં મોટા પાયે જુગાર રમાતો હોવાની પોલીસને ગત તારીખ ૧૯મી માર્ચ ૨૦૨૧ના રોજ માહિતી મળતાં ઝાલોદ પોલીસ ભાવપુરા ખાતે દોડી ગઈ હતી ત્યા જઈ ભાવપુરાની ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પાના પત્તા પાનાનો જ્યાં જુગાર રમાતો હતો ત્યાં પોલીસે ચારેય તરફથી ઘેલી લઈ ધમધમતાં જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ ગયાં હતાં. જુગાર રમી રહેલ જીજ્ઞેશભાઈ શંકરભાઈ ડામોર (રહે.સંતરામપુર, જિ.મહીસાગર), નરેશભાઈ ગોવિંદભાઈ ડામોર (રહે. સંતરામપુર, જિ.મહીસાગર), દજ્ઞેશકુમાર વિનોદચંદ્ર કલાલ (રહે. સંતરામપુર), કનુભાઈ ભાણાભાઈ પરમાર (રહે. સંતરામપુર), સુરેશભાઈ મગનભાઈ ગેલોત (રહે. લીમડી, કરંબા, તા.ઝાલોદ,જિ.દાહોદ), દિલીપભાઈ શકરાભાઈ માલીવાડ (રહે. ગુલીસ્તાન સોસાયટી, ઝાલોદ, જિ.દાહોદ) ને ઝડપી પાડ્યાં હતાં જ્યારે અલ્કેશભાઈ ગવસીંગભાઈ ભાભોર (રહે.ટેકરી ફળિયા, ઝાલોદ)નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપી પાડવામાં આવેલ ઉપરોક્ત ૦૬ જણાની અંગ ઝડતી કરતાં રોકડા રૂપીયા ૯,૪૮૦, દાવ પરથી રોકડા રૂપીયા, ૧૦,૩૮૦, મોબાઈલ ફોન નંગ.૦૫ કિંમત રૂા.૩૯,૫૦૦ અને મોટરસાઈકલો કિંમત રૂા.૧,૨૦,૦૦૦ તેમજ જુગારના સાધનો મળી કુલ રૂા.૧,૭૯,૩૬૦ નો મુદ્દામાલ ઝાલોદ પોલીસે કબજે કરી ઉપરોક્ત સાતેય જણા વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.