ફતેપુરા તાલુકાના કાળીયા જમીનમાંથી રસ્તો કાઢવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી ઃ ચારને ગંભીર ઈજાઓ

દાહોદ તા.૨૨
ફતેપુરા તાલુકાના કાળીયા ગામે જમીનમાંથી રસ્તો કાઢવા મામલે બે જુથો વચ્ચે સામસામે મારક હથિયારો ઉછળતાં ચાર જેટલા વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં છે જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
કાળીયા ગામે રહેતા રાકેશભાઈ માનસીંગભાઈ મછાર, માનસીંગભાઈ મનાભાઈ મછાર, રાજુભાઈ માનસીંગભાઈ મછાર, મહેશભાઈ માનસીંગભાઈ મછાર અને માનસીંગભાઈ ઉકેડભાઈ મછારનાઓ ગત તા.૨૧મી માર્ચના રોજ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી તેમના જ ગામમાં રહેતા તુષારભાઈ કાળુભાઈ મછારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો કેમ અમારી જમીનમાં રસ્તો કાઢવા માટે આવો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ધારીયા, કુહાડી અને લાકડીઓ વડે ભાવિનભાઈ અને રાજુભાઈ માનસીંગભાઈને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપી નાસી જતાં આ સંબંધે તુષારભાઈ કાળુભાઈ મછારે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સામાપક્ષેથી કાળીયા ગામના રાજુભાઈ માનસીંગભાઈ મછાર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાના જ ગામમાં રહેતા ભાવીનભાઈ કાળુભાઈ મછાર, તુષારભાઈ કાળુભાઈ મછાર, શરદભાઈ રામસીંગભાઈ મછાર, રાહુલભાઈ બાબુભાઈ મછાર અને અરવિંદભાઈ વાઘજીભાઈ મછારનાઓ એકસંપ થઈ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું કેમ રસ્તો કાઢવા દેતો નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કુહાડીની મુદર વડે, લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી રાજુભાઈ અને રાકેશભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉપરોક્ત બંન્ને ફરિયાદોને આધારે સુખસર પોલીસે બંન્ને પક્ષો તરફથી ફરિયાદ લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: