દાહોદ તા.૨૪ દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના કેસોને પગલે જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયાં છે ત્યારે અગાઉ શાળાઓ, કોલેજાેમાં શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ હવે કોરોનાએ બેન્કોમાં પોતાનો પગપેસારો કરતાં ચકચાર મચી જવા પામી છે. દાહોદની શ્રીરામ કો.ઓ.બેન્કમાં ૦૬ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં બેન્ક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બેન્કમાં કોરોનાનો પગ પેસારો થતાં આગામી ૨૫ અને ૨૬ એમ બે દિવસ બેન્કો બંધ રાખવાનો બેન્ક સત્તાધિશો દ્વારા ર્નિણય પણ લેવામાં આવ્યો છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરમાં આવેલ શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટી બેન્કના ૦૬ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સામાન્ય નાગરીક તેમજ સભાસદોના આરોગ્યના હિતમાં સોસાયટી બેન્કની બેન્કીંગ કામગીરી તારીખ ૨૫ અને ૨૬મી માર્ચ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ બેન્કનું કામકાજ બંધ કરી દેવામાં આવી છે ત્યારે તારીખ ૨૭મીએ ચોથો શનિવા અને ૨૮મીએ રવિવાર તેમજ ૨૯મી એ હોળીનો તહેવારો હોય આ ત્રણ દિવસ પણ બેન્કો બંધ રહેતા કુલ ૦૫ દિવસ આ બેન્ક પણ બંધ રહેનાર છે. તારીખ ૩૦મી માર્ચથી રાબેતા મુજબ બેન્ક ફરી ધમધમતી થનાર છે ત્યારે આ બેન્કના કર્મચારીઓ કોરોનામાં સપડાતાં આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સમગ્ર બેન્કમાં તેમજ બેંક બહાર સેનેટરાઈઝર ઝંટકાવ સહિતની કામગીરી આરંભ કરી દેવામાં આવી છે.