દાહોદ જિલ્લામાં વધુ બે શાળાઓમાં આચાર્ય સહિત ત્રણ શિક્ષકોને કોરોના પોઝીટીવ
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાની બે શાળાઓમાં આચાર્ય સહિત શિક્ષકોને કોરોના પોઝીટીવ આવ્યાંની ખબરો સાથે શાળા સંકુલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જ્યારે મળતી માહિતી આ બે શાળાઓ પૈકી દાહોદની ભાટવાડા પ્રાથમીક શાળાના આચાર્યને કોરોના પોઝીટીવ આવ્યાં છતાં પણ શાળા ચાલુ રાખવામાં આવતાં અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.
દાહોદ જિલ્લાની લીમખેડા નગરમાં આવેલ એક શાળામાં એક સાથે ૦૩ શિક્ષકોને કોરોના પોઝીટીવ આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ અગાઉ આ શાળામાં એક શિક્ષકને પોઝીટીવ આવ્યા બાદ પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી અને આજે વધુ આજ શાળાના બે શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતાં. બીજી તરફ દાહોદ તાલુકામાં આવેલ ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનોમાં સપડાયાં છે ત્યારે આ શાળામાં આચાર્યને કોરોના પોઝીટીવ આવ્યાં બાદ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા આશ્ચર્ય સર્જાયું છે અને શાળાઓની આવી બેદરકારીના કારણે અનેક સવાલો પણ ઉભા થવા પામ્યાં છે. શાળાઓમાં કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણ પણે પાલન કરવામાં આવે તેવી વાલીઓમાં પણ ચર્ચાઓ થવા માંડી છે. શાળાઓમાં કોરોનાની ગાઈડ લાઈનનું છડેચોક ઉલ્લંઘન તેમજ બેદરકારી રાખવામાં આવતી હોવાની ચર્ચાઓ ભારે જાેર પકડ્યું છે ત્યારે આ મામલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાની શાળાઓના સત્તાધિશોને કોરોના ગાઈડ લાઈનના પાલન બાબતે કડક સુચનાઓ આપવામાં આવે તે હાલના સમયની માંગ છે.