ઝાલોદના જાફરપુરા ગામે છોકરી ભગાડી ગયાના મામલે માથાભારે ઈસમો દ્વારા ભારે ધિંગાણું મચાવી તોડફોડ કરી
દાહોદ તા.૨૭
ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે એક યુવક છોકરી ભગાડી ગયાના મુદ્દે છોકરી પક્ષના નવ જેટલા માથાભારે ઈસમો એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી યુવકના પરિવારજનોના ઘરે જઈ ભારે ધિંગાણું મચાવ્યું હતું અને છોકરી સોંપી દેવાની માંગણી સાથે ચાર જેટલા વ્યક્તિઓના ઘરમાં ટોળુ ઘુસી જઈ ઘરમાં તોડફોડ સહિત વાહનોની પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડી ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
જાફરપુરા ગામે હોળી ફળિયામાં રહેતા વનરાજભાઈ રવિન્દ્રભાઈ ડામોર, કડકીયાભાઈ ધનજીભાઈ ડામોર, પુંજાભાઈ ધનજીભાઈ ડામોર, રાજુભાઈ નાથુભાઈ ડામોર, કલ્પેશભાઈ રસુભાઈ ડામોર, બાબુભાઈ ખાતુભાઈ ડામોર, ભરતભાઈ ખાતુભાઈ ડામોર, બસાભાઈ રમેશભાઈ ડામોર, રમેશભાઈ પીથાભાઈ ડામોરનાઓએ ગત તા.૨૪મી માર્ચના રોજ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, તલવાર, ધારીયા જેવા મારક હથિયારો ધારણ કરી પોતાના જ ફળિયામાં રહેતા રાજેશભાઈ રામાભાઈ ભેદીને ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમારો છોકરો અમારી છોકરીને લઈ ગયેલ છે, તે કેમ પાછી સોંપતાં નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને રાજેશભાઈ, નરેશભાઈ, રેમનભાઈ તથા છગનભાઈના ઘરના નળીયા, સિમેન્ટના પતરાની તોડફોડ કરી તેમજ જી.ઈ.બી.ના મીટરેની પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ટોળુ જતાં જતાં ઘરના આંગણમાં મુકી રાખેલ બે રેકડા અને ટાટા ગાડીઓના કાચની પણ તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે રાજેશભાઈ રામાભાઈ ભેદીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


