૨૪ કલાકમાં સૌથી વધુ ૬૨૨૫૮ નવા કેસ, ૨૯૧ના મોત : ૧૬૦ દિવસ બાદ દૈનિક કોરોના કેસ ૬૦ હજારને પાર
છેલ્લે ૧૬ ઓકટોબર ૨૦૨૦ના રોજ ૬૨૨૧૨ કેસ નોંધાયા હતા,કુલ મૃત્યુઆંક ૧,૬૧,૨૪૦, કુલ કેસ ૧,૧૯,૦૮,૯૧૦ થયા, એકટીવ કેસ ૪૫૨૬૪૭, મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોના બેફામ, દેશમાં ૫.૮૧ કરોડ લોકોનું રસીકરણ
મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીરઃ એક જ દિવસમાં ૧૧૨ના મોત, ૩૬૯૦૨ નવા કેસ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪.૫ લાખને પાર થઈ
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા ૭૯.૫૭% કેસો આ છ રાજ્યોમાંથી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૬૨,૨૫૮ દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે દેશમાં સૌથી વધુ ૩૬,૯૦૨ દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ ૩,૧૨૨ જ્યારે છત્તીસગઢમાં વધુ ૨,૬૬૫ કેસ નોંધાયા છે.
ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે ૪,૫૨,૬૪૭ નોંધાઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી ૩.૮% છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં ૩૧,૫૮૧ દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી ૭૩% દર્દીઓ છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૧૨,૯૫,૦૨૩ સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર ૯૪.૮૪% નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૩૮૬ દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ ૧૭,૦૧૯ દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯૧ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી ૭૫.૬% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (૧૧૨) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં ૫૯ દર્દીનાં મૃત્યુ થયા છે.
૧૪ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, આસામ, ઓડિશા, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
છેલ્લા ૧૫ દિવસથી સતત દૈનિક કેસોમાં અત્યાર સુધીનો સૌથી તીવ્ર વધારો જાેવા મળી રહ્યો છે, શુક્રવારે સક્રિય કિસ્સાઓમાં ૩૨,૦૦૦ થી વધુનો વધારો થયો છે, જે આંકડામાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા, જે એક દિવસ અગાઉ જ ૪ લાખના આંકડાને પાર કરી હતી, શુક્રવારે ૪.૫. લાખને વટાવી ગઈ છે. ગુરુવારે સક્રિય કેસોમાં ૩૬ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોમાંથી ૩૪ માં ચોખ્ખી વૃદ્ધિ જાેવા મળી હતી.
દેશમાં અત્યાર સુધીમાં ૫,૮૧,૦૯,૭૭૩ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૨૬,૦૫,૩૩૩ લોકોને રસી આપવામાં આવી હતી.