દાહોદ જિલ્લામાં હોળી, ધુળેટી ટાળે ચાર જગ્યાએ મારામારીના ચાર બનાવોમાં ચારને ગંભીર ઈજા પહોંચી
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં હોળી,ધુળેટીનો તહેવાર લોહીયાળ સાબીત થયો હતો. દાહોદ જિલ્લામાં હોળીના દિવસોમાં મારમારીના બનેલા ચાર બનાવોમાં ચાર થી પાંચ જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હોળીના તહેવાર ટાળે આ ચાર સ્થળોએ ધિંગાણું સર્જાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોળીના તહેવારોમાં મારામારીનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત ૨૭મીના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૨૨ વર્ષીય પરણિતા પોતાના પીયર મોટીમલુ ગામે હોળીનો તહેવાર ઉજવવા આવી હતી. રાત્રીના બારેક વાગ્યાની આસપાસ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને પરણિતા પોતાના ભાઈ – બહેન સાથે હોળીના દર્શન કરવા ગઈ હતી. આ દરમ્યાન ધાનપુર તાલુકાના મંડોર ગામે રહેતા રીપુલભાઈ હિંમતભાઈ ભાભોર ત્યાં આવી પરણિતાનો હાથ પકડી છેડછાડ કરી હતી. આ દરમ્યાન પરણિતાનો ભાઈ દશુ આવી જતાં આ રીપુલને ઠપકો આપ્યો હતો. આ સાંભળી રિપુલ પોતાના સાથી મિત્રો ઈશ્વરભાઈ પ્રતાપભાઈ હઠીલા, મહેશભાઈ પ્રતાપભાઈ હઠીલાને લઈ આવ્યો હતો અને પરણિતાના ભાઈ દશુ સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ દશુભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ધુળેટીના દિવસે ગામમાંજ રહેતાં અરવિંદભાઈ માલાભાઈ વસૈયા, અશ્વિનભાઈ જાલાભાઈ વસૈયા, મનસુખભાઈ નાથાભાઈ વસૈયા, અનિલભાઈ જાલાભાઈ વસૈયા ગામમાં રહેતા મગનભાઈ નાનજીભાઈ વસૈયાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આને જમીન જાેઈએ છે, આને આજે છોડવાનો નથી, તેમ કહી મગનભાઈને પકડી લઈ લાકડી વડે, કુહાડીની મુંદર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મગનભાઈ નાનજીભાઈ વસૈયાએ ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ત્રીજાે બનાવ ઝાલોદ તાલુકાના કચલધરા ગામે બનવા પામ્યો હતો જેમાં હોળીના દિવસે ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે રહેતાં કાળુભાઈ નાનજીભાઈ ડામોક, શિવરાજભાઈ કાળુભાઈ ડામોર અને મકનભાઈ નારસીંગભાઈ મુનીયાનાઓ કચલધરા ગામે રહેતા અરવિંદભાઈ મલાભાઈ ડામોરના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારૂં ઘર અહીંથી ઉઠાવી લે, નહીંતર તને જીવતો છોડીશું નહીં, તેમ કહેતા અરવિંદભાઈ જણાવેલ કે, આજે હોળીનો તહેવાર છે, તમે તમારા ઘરમાં જઈને સુઈ જાઓ, તેમ કહેતાંજ ઉપરોક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી અરવિંદભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અરવિંદભાઈ મલાભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ચોથો બનાવ ઝાલોદ તાલુકાના આંબા ગામે બનવા પામ્યો હતો જેમાં આંબા ગામે રહેતા અલ્કેશભાઈ દિનેશભાઈ હઠીલા તથા તેમના પરિવારજનો હોળીના તહેવારે ગામમાં ઢોલ વગાડી નાચતાં હતાં. આ દરમ્યાન ગામમાંજ રહેતા તુકારામભાઈ કશવાભાઈ હઠીલા, સુરેશભાઈ ઉર્ફે ઈક્કુભાઈ ભુરજીભાઈ હઠીલા, પિન્ટુભાઈ ગોરસીંગભાઈ હઠીલાનાઓ ત્યાં આવી કહેવા લાગેલ કે, તમે કોને પુછીને હોળી સળગાવી, કેમ અમોને પુછ્યાં વગર હોળી સળગાવી છે, તેમ કહી કમલેશભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટ્ટનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે અલ્કેશભાઈ દિનેશભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.