ગરબાડાના ચંદલા ગામે પાંચ જેટલા ઈસમોએ એક મોટરસાઈકલ સહિત રોકડા રૂપીયા મળી કુલ રૂા.૪૧ હજારની લુંટ ચલાવી બે વ્યક્તિઓને માર માર્યાે

દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં કેટલાક વ્યક્તિઓ રાત્રીના નવેક વાગ્યાના આસપાસ ચંદલા ગામેથી પસાર થતી વેળાએ પાંચ જેટલા ઈસમોએ રસ્તો બંધ કરી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મોટરસાઈકલ, મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૪૧,૦૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પાંચેય ઈસમો વિરૂધ્ધ નામજાેગ ફરિયાદ નોંધાતાં પોલીસે તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગરબાડા તાલુકાના પાટીયા ગામે હોળી ફળિયામાં રહેતા મુકેશભાઈ માનસીંગભાઈ ખપેડ તથા તેમની સાથે કેટલાક વ્યક્તિઓ ગત તા.૨૯મી માર્ચના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના આસપાસ ચંદલા ગામેથી મોટરસાઈકલ પર સવારથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન દિનેશભાઈ મંગાભાઈ ભુરીયા, વિનોદભાઈ પ્રતાપભાઈ ભુરીયા, વિપુલભાઈ મહેશભાઈ ભુરીયા (ત્રણેય રહે.નવા નગર, ડોબણ ફળિયું, તા.ધાનપુર), સતીષકુમાર ભારતસિંહ પરમાર (રહે. સીમળીયા બુઝર્ગ તથા તેની સાથે બીજા બે માણસો અને રાજેશબાઈ કાનજીભાઈ મીનામા (રહે. રીંગોલ, મીજડીયા જાેહા ફળિયું, તા.ભાભરા, જિ.અલીરાજપુુર, મધ્યપ્રદેશ) આ તમામે રસ્તો બંધ કરી દીધો હતો અને ત્યાંથી પસાર થઈ રહેલ મુકેશભાઈ વિગેરેને રોકી લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી તેઓની પાસેથી મોટરસાઈકલ, મોબાઈલ ફોન અને રોકડા રૂપીયા મળી કુલ રૂા.૪૧,૦૦૦નો મુદ્દામાલની લુંટ કરી ભયનો માહોલ પેદા કરતાં રાત્રીના સમયે વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ મુકેશભાઈ માનસીંગભાઈ ખપેડે ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અટકાયતી પગલાં હાથ ધર્યાં છે.
