ઝાલોદ નગરમાં આવેલ સબ જેલમાં એક કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ સબ જેલમાં આજરોજ વહેલી સવારે એક કાચા કામના ૨૦ વર્ષીય યુવક કેદીએ જેલમાં જ આત્મહત્યા કરી લેતાં જેલ આલમ સહિત પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કેદીએ કયાં કારણોસર આત્મહત્યાં કરી? તે હાલ જાણી શકાયું નથી પરંતુ આ કેદીનો જેલમાં જ આત્મહત્યા કરી લીધાના બનાવને પગલે પોલીસ કાફલો જેલ તરફ દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે રહેતો ૨૦ વર્ષીય ઉમેશ ઉર્ફે કાળુ મોહનભાઈ કટારા આજથી ૧૦ માસ પહેલા ચોરી કરતાં પકડાયો હતો અને પોલીસ મથકે તેની વિરૂધ્ધ ૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી તેને ઝાલોદની સબ જેલ ખાતે રવાના કરી દેવામાં આવ્યો હતો. ઘરફોડ ચોરીનો આ ૨૦ વર્ષીય યુવક આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી ઝાલોદની સબ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આ દરમ્યાન આજરોજ વહેલી સવારે આ આરોપીની લાશે ઝાલોદ સબ જેલના બાથરૂમમાં રૂમાલ વડે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતા અને આ અંગેની જાણ જેલના સત્તાધિશોને થતાં તેઓ તાબડતોડ બાથરૂમ તરફ દોડી ગયાં હતાં અને લટકતી લાશ જાેઈ સૌ કોઈ સ્તબ્ધત થઈ ગયાં હતાં. આ મામલે પોલીસ પણ સબ જેલ તરફ દોડી ગઈ હતી અને લાશને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

