કેનેડાના ઓન્ટારિયોમાં લાગ્યું એક મહિનાનું લોકડાઉન : દુનિયાના અનેક દેશોમાં કોરોના કંટ્રોલ બહાર, આકરા પ્રતિબંધો અને લોકડાઉન
(જી.એન.એસ.)ઓન્ટારિયો,તા.૩
દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી કંટ્રોલ બહાર જવાના કારણે કેસોની સંખ્યામાં જાેરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ખુબ જ ઝડપી ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે એક મહિના માટે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાના એક જ દિવસમાં ૯૪,૦૦૦ કેસો નોંધાયા છે અને ૩૭૬૯ લોકોના મોત થયા છે. પાકિસ્તાન, ફ્રાન્સ અને તુર્કીમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે.
કેનેડાના ઓન્ટારિયોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને કારણે લોકડાઉન જાહેર કરીને હોટલ-રેસ્ટોરાંને બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર ૫૦ ટકા લોકોને ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે. કેનેડાના ઓન્ટારિયોમાં રોજના સરેરાશ ચાર હજાર નોંધાવા માંડયા છે.
બીજી તરફ યુકેએ જ્યાં પ્રવાસ કરવાની બંધી છે તેવા દેશોના રેડ લિસ્ટમાં ફિલિપાઇન્સ, કેન્યા, પાકિસ્તાન અને બંગલાદેશનો ઉમેરો કર્યો છે. આ દેશોમાં જવા-આવવા પરનો પ્રતિબંધ નવ એપ્રિલથી અમલમાં આવશે.
૪૦ દેશોના રેડ લિસ્ટમાંથી આવતાં પ્રવાસીઓને ઇંગ્લેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને જ દેશમાં પ્રવેશવા દેવામાં આવશે અને તેમણે સરકારી માન્યતા પ્રાપ્ત ક્વોરન્ટાઇન સુવિધામાં ૧૦ દિવસ ગાળવા પડશે.
બીજી તરફ બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના ૯૧,૦૦૦ કરતાં વધારે કેસો નોંધાયા છે અને ૩૭૬૯ જણાના મોત થયા છે. માત્ર માર્ચ મહિનામાં જ કોરોનાએ બ્રાઝિલમાં ૬૬,૦૦૦ કરતાં વધારે લોકોનો ભોગ લીધો છે. ફ્રાન્સમાં પણ એક જ દિવસમાં ૫૦,૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હતા અને ૩૦૮ જણાના મોત થયા હતા. તો તુર્કીમાં પણ એક જ દિવસમાં ૪૦,૦૦૦ કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા હતા.
પાકિસ્તાનમાં પણ એક જ દિવસમાં કોરોનાના પાંચ હજાર કેસ નોંધાયા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં રસી કૌભાંડોની પણ શરૂઆત થઇ ગઇ છે. ૧૪૦૦ બિન અધિકૃત લોકોને રસી આપવાનું કૌભાંડ ત્રણ હોસ્પિટલમાંથી પકડાયું છે. દરમ્યાન રશિયાએ પ્રાણીઓ માટે દુનિયાની સૌ પ્રથમ કોરોના રસી વિકસાવી લીધી છે.