દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ સફળતા : ઝાલોદ નગરમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી ચોરીના ચાર મોબાઈલ સાથે ઝડપી પડાયો
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના લીમખેડા અને ઝાલોદ તાલુકામાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર ચાર જેટલા મોબાઈલ ફોનની ચોરી થઈ હતી અને આ મામલે મોબાઈલના માલિકો દ્વારા જે તે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. મોબાઈલ ચોરીના વધતાં બનાવોની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ મોબાઈલ ચોરી પાછળ એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવતાં પોલીસે તેની પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન કબજે કર્યાં હતાં અને તેણે લીમખેડા અને ઝાલોદ તાલુકામાંથી આ ચારેય મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની પણ કબુલાત કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં મોબાઈલ ચોરીના બનાવોમાં છેલ્લા એક સપ્તાહની અંદર બનાવો વધવા પામ્યાં હતાં અને ખાસ કરીને ઝાલોદ અને લીમખેડામાંથી મોબાઈલ ચોરીઓની ઘટના સામે આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસે મોબાઈલ ચોર ટોળકીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં. દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, એક ઈસમ જેને શરીરે રાખોડી કલરની આંખી બાયનો ટીશર્ટ પહેરેલ છે અને તે ઝાલોદ બસ સ્ટેશનની બહાર ચાની કીટલીની આગળ ઉભો છે અને તે મોબાઈલ ફોન વેચવાની ફીરાકમાં છે. આ બાતમી મળતાંની સાથે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ વ્યક્તિની પુછપરછ કરતાં પોલીસને સંતોષ કારક જવાબ મળ્યો ન હતો. પોલીસ તેને લઈ પોલીસ મથકે પહોંચી હતી અને તેની સઘન પુરછપરછમાં તે બાળ કિશોર હોવાનું પોલીસને જાણવા મળતાં એકક્ષણે પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી. પોલીસે તેની સઘન પુરછપરછ કરતાં તેને આ મોબાઈલ સિવાય અન્ય ત્રણ મોબાઈલ ફોનો પણ ચોરી કર્યાં હોવાની કબુલાત કરી હતી. આ ચારેય મોબાઈલ ફોન લીમખેડા તાલુકા અને ઝાલોદ, લીમડી નગરમાંથી ચોરી કર્યાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ બાળ કિશોર જુદી જુદી ભીડભાડવાળી જગ્યાએ તેમજ સોસાયટીઓમાં ફેરી કરવાના બહાને જઈ મકાનમાં તેમજ રૂમની અંદર બારીમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોન તેમજ દુકાનમાં ચાર્જીંગમાં મુકેલ મોબાઈલ ફોનની ચોરી કરી સીમ કાઢી ફેંકી દઈ મોબાઈલ ફોન પોતાની પાસે રાખી ગ્રાહકોને સસ્તા ભાવે ચોરીના મોબાઈલ વેચી જેવાની પ્રવૃતિ ધરાવે છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ આ બાળ કિશોર પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.


