દાહોદમાં રેમડેસિવર દવાના જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ : દાહોદ જિલ્લાની ૭૦ જેટલી ખાનગી હોસ્પિટલના તબીબો સાથે બેઠક યોજતા ખાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર શ્રી વિજય ખરાડી
ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના દાહોદ ચેપ્ટરના માધ્યમથી જિલ્લાની ૭૦ જેટલી હોસ્પિટલના સંચાલક તબીબો સાથે ખાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટરશ્રી વિજય ખરાડીએ એક બેઠક યોજી હતી અને તેમાં જરૂર પડે તો આ તબીબોએ પોતાના દવાખાનાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સારવાર માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.
ઉક્ત બેઠકમાં આ બન્ને અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દાહોદને રેમડેસીવરનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રેમડેસીવર દવા જરૂરતમંદ દર્દીઓને તબીબના નિયત પ્રિસ્ક્રીપ્શન આધારે ફાળવવામાં આવશે.
દાહોદમાં કોરોનાના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફના પડે તે માટે ખાનગી હોસ્પિટલને પણ જરૂર પડે ત્યારે જોડવામાં આવશે. આ માટે ખાનગી હોસ્પિટલમાં અત્યારથી જ તૈયારી કરી લે તે ઇષ્ટ છે. તે બેઠકમાં તબીબોમાં તેમના દવાખાનાઓમાં આઇસીયુ અને ઓક્સીજન સુવિધા સાથેના બેડ તૈયાર રાખવા માટેની જાણકારી આપવામાં આવી હતી. તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. હાલમાં ખાનગી હોસ્પિટલમાં ૧૦૦ જેટલી ઓક્સીજન પથારીની વ્યવસ્થા થઇ શકે એવું આયોજન છે.
ઉપસ્થિત તબીબોને એવું પણ સૂચન કરવામાં આવ્યું કે તેમને ત્યાં આવતા દર્દીઓમાં જો કોરોના વાયરસના કોઇ પણ લક્ષણ જણાઇ તો તુરંત તેનું ટેસ્ટિંગ કરવામાં આવે અને આ માટે ટેસ્ટિંગની કિટ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવશે.


