દાહોદ શહેરના ભરચક એવા ભરપોડા સર્કલ પાસેથી એક વ્યક્તિની ચેનની તડફંચી

દાહોદ તા.૦૮

દાહોદ શહેરમાં સતત ધમધમતા એવા સ્ટેશન રોડના ભરપોડા સર્કલ પાસે અને તેમાંય નજીકમાં આવેલ ટાઉન પોલીસ મથકની નજીકમાંથી જ  રસ્તે ચાલતા જતાં એક રાહદારીના ગળામાંથી સોનાની ચેઈન ૧૫/૪૧૦ ગ્રામ કિંમત રૂા.૬૦,૦૦૦ ની ઝુંટવી ચોરી કરી લઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી લુંટ ચલાવતી ટોળકી અને ચેનસ્નેચર ટોળકી સક્રિય થઈ હોવાની છડેચોક ફરિયાદો ઉઠવા પામી છે. ઘણા લોકો સાથે આવી ઘટનાઓ બની છતાંય હાલ સુધી લોકો દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી ન હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ત્યારે શહેરમાં ચોવીસે કલાક ધમધમતા એવા સ્ટેશન રોડ ખાતે સમી સાંજ ૪ વાગ્યાના આસપાસ જયન્તકુમાર રજનીકાંન્ત ઉપાધ્યાય (રહે.સંતરામપુર,જિ.મહિસાગર) ના ગત તા.૦૭મી એપ્રિલના રોજ દાહોદ શહેરમાં કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને શહેરના ભરપોડા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક કાળા કલરની મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અજાણ્યા ચોર ઈસમો મોટરસાઈકલ સાથે જયન્તકુમાર પાસે આવી તેઓ ગળામાં પહેરેલ ૧૫/૪૧૦ ગ્રામની સોનાની ચેઈન કિંમત રૂા.૬૦,૦૦૦ની ઝુંટવી ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં વાયુવેગે આ સમાચાર ફેલાતાં લોકટોળા ઉમટી પડ્યાં હતાં પરંતુ ચોરો ત્યાં સુધી મોટરસાઈકલ ભગાડી ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં.
આ સમગ્ર ઘટનાને પગલે જયન્તકુમાર રજનીકાન્તભાઈ ઉપાધ્યાય દ્વારા આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: