ઝાલોદ નગર, લીમડી ગામ, દેવગઢ બારીયા નગર, ફતેપુરા ગામમાં રાત્રીના ૮ કલાકથી સવારના ૬ કલાક સુધી સંચારબંધી લાગુ : તા. ૯ એપ્રીલ થી આગામી ૩૦ એપ્રીલ સુધી સંચારબંધી
દાહોદ તા. ૯
દાહોદ શહેરમાં હાલમાં રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી સંચારબંધી અમલમાં છે. જિલ્લાના અન્ય કેટલાંક શહેર અને ગામમાં પણ કોરોનાના કેસો મોટા પ્રમાણમાં નોંધાઇ રહ્યાં છે ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક જાહેરનામાં દ્વારા ઝાલોદ નગર, લીમડી ગામ, દેવગઢ બારીયા નગર, ફતેપુરા ગામમાં રાત્રીના ૮ કલાકથી સવારના ૬ કલાક સુધી સંચારબંધી લાગુ કરી છે. આ વિસ્તારોમાં સંચારબંધીના સમયના કલાકો દરમ્યાન લગ્ન સમારંભ કે અન્ય સમારંભ કે કાર્યક્રમ યોજી નહી શકાય. આ વિસ્તારમાં ભારે વાહનો પસાર થઇ શકશે પરંતુ રોકાણ કરી શકશે નહી. આ જાહેરનામું ૯ એપ્રીલ થી આગામી તા. ૩૦ એપ્રીલના ર૪ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.