ખાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલે આપેલી સૂચનાઓ : દાહોદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવાશે : ટેક્નોલોજીના ઉપયોગથી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ક્વોરોન્ટાઇન, આઇસોલેશનમાં રહેતા નાગરિકો બહાર ના નીકળે તેવી વ્યવસ્થા ગોઠવાશે
દાહોદમાં કેટલાક વેપારીઓને ત્યાં કોરોના ગાઇડ લાઇન્સનો ભંગ થતો રોકવા જરૂર પડે તો ગ્રાહકોની સંખ્યા નિયંત્રિત કરાશે
રાત્રીના આઠ વાગ્યા બાદ કોઇ પણને નગરની અંદર પ્રવેશ આપવામાં નહી આવે અને નગરની બહાર જવા દેવામાં નહી આવે
સમગ્ર દાહોદ જિલ્લામાં વધતા જતાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ખાસ નિમાયેલા વરિષ્ઠ સનદી અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલે નાગરિકોની આરોગ્યલક્ષી સલામતી અર્થે કેટલાક નિયંત્રક પગલાંઓ લેવા માટે જિલ્લા વહીવટી તંત્રને સૂચના જારી કરી છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેશ દવે સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે શ્રી બેનીવાલે આજે સવારે બેઠક યોજી હતી. જેમાં તેમણે કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સૂચનાઓ આપી હતી.
શ્રી બેનીવાલે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ આવે ત્યાં કન્ટેઇન્મેન્ટ ઝોન લાગુ કરવામાં આવે છે. તેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટે વધુ અસરકારક પગલાં લેવામાં આવશે. પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનું તુરંત ટેસ્ટિંગ થાય તે ઉપરાંત તેના ક્વોરોન્ટાઇન સમયગાળા દરમિયાન તે પોતાના ઘરે રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ માટે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. નાગરિકો પણ નિયંત્રિત વિસ્તારના નિયમોનું ચુસ્તપણે પાલન કરે એ હિતાવહ છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીના નિવાસ પર માર્કિંગ કરવામાં આવશે અને ત્યાં જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ક્વોરોન્ટાઇન કે આઇસોલેશનમાં રહેતા નાગરિકો બહાર ના નીકળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
દાહોદ નગરમાં રાત્રી કર્ફ્યુઓનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે રાત્રીના આઠ વાગ્યા પછીની તમામ પ્રકારની અવરજવર ઉપર પાબંધી છે. રાત્રીના આઠ વાગ્યા બાદ કોઇ પણને નગરની અંદર પ્રવેશ આપવામાં નહી આવે અને નગરની બહાર જવા દેવામાં નહી આવે.
નગરપાલિકા વિસ્તારોમાં વોર્ડ કમિટી અને ગ્રામ્ય કક્ષાએ વિલેજ કમિટી બનાવવા માટેનું પણ શ્રી બેનીવાલે સૂચન કર્યું હતું. આ કમિટી વોર્ડ અને ગામમાં બહારથ આવનારા નાગરિકોની અવરજવરની માહિતી રાખે અને તે માહિતી સંબંધિત અધિકારીઓને આપે, જેથી આરોગ્યલક્ષી સલામતીના પગલાં લઇ શકાય.
શ્રી બેનીવાલના ધ્યાને એવી પણ બાબત આવી છે કે, દાહોદ જિલ્લામાં દૂકાનો ઉપર બિનજરૂરી ભીડ થાય અને કેટલાક વેપારીઓ દ્વારા આ બાબતે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી. એક દૂકાન ઉપર ગ્રાહકોની સંખ્યા નિયંત્રિત કરવા પણ સૂચન કર્યું છે. જરૂર પડે તો આવા બેજવાબદાર વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું છે.
તેમણે એવું પણ કહ્યું કે, દાહોદ જિલ્લામાં હજુ પણ નાગરિકો બેજવાબદારીપૂર્વક માસ્ક પહેર્યા વિના બહાર ફરી રહ્યા છે. તેની સામે નિયમોનુસારની કાર્યાવહી કરવામાં આવશે. માસ્મ નહીં પહેરનારી વ્યક્તિને દંડ કરવામાં આવશે અને તેની ઝૂંબેશ ચલાવવામાં આવશે.


