દાહોદની ઝાયડસ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી સારવાર લઈ રહેલ આરોપી ફરાર
દાહોદ તા.૧૦
દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ગતરોજ એક ચકચાર બનાવ સામે આવ્યો છે જેમાં એક આરોપી આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને પોલીસ જાપ્તામાં હતો ત્યારે આરોપીએ પોલીસની નજર ચુકવી હથકડી સાથે ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા અનુસાર, આ આરોપી થોડા દિવસ પહેલા કોરોના પોઝીટીવ હતો અને તે સારવાર લઈ રહ્યો હતો.
ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયામાં રહેતો રાજન ઉર્ફે દિનેશભાઈ રૂમાલભાઈ ડામોરને કોઈ ગુન્હામાં પોલીસ પકડી લાવી હતી અને ત્યાર બાદ તેની તબીયત સારી ન હોવાને કારણે તેને દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યા અનુસાર, આ આરોપી કેટલાક દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યો હતો અને તે સિવાયની સારવાર પણ આ ઝાયડસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી ત્યારે ગતરોજ તારીખ ૦૯મી એપ્રિલના રોજ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આ આરોપીને હથકડી સાથે રાખવામાં આવ્યો હતો અને તે સમયે ઉપસ્થિત પોલીસની નજર ચુકવી આ આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી જતાં દાહોદ શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકના કર્મચારી કિકાભાઈ લાલજીભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત ફરાર આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

