છત્તીસગઢમાં ૧૮ જિલ્લામાં લોકડાઉનઃ મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ : દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યોઃ રેકોર્ડ ૧.૬૯ લાખ નવા સંક્રમિત
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૨
દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧લાખ ૬૯ હજાર ૯૧૪ કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલાં ૧૦ એપ્રિલના રોજ ૧ લાખ ૫૨ હજાર ૫૬૫ કેસ નોંધાયા હતા.
બીજી તરફ, નવા કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગત દિવસે કોરોનાને કારણે ૯૦૪ લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા ૬ મહિનામાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગયા વર્ષે ૧૭ ઓક્ટોબરે સૌથી વધુ ૧,૦૩૨ લોકોનાં મોત થયાં હતાં.
એક્ટિવ કેસ એટલે કે કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ આજે ૧૨ લાખને પાર કરી જશે. પાછલા દિવસે એમાં ૯૩,૫૯૦નો વધારો થયો છે. આ સાથે એક્ટિવ કેસનો આંકડો ૧૧ લાખ ૯૫ હજાર ૯૬૦ પર પહોંચ્યો છે.
અત્યારસુધીમાં ૧ કરોડ ૩૩ લાખ ૨૫ હજારથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૧ કરોડ ૨૧ લાખ ૫૩ હજાર લોકો સાજા થયા છે. ૧ લાખ ૭૦ હજાર ૨૦૯ દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં ૧૦ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓને આપવામાં આવતાં ઈન્જેક્શન રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. એને બનાવવા માટે વપરાતી વસ્તુઓની પણ નિકાસ કરવામાં આવશે નહીં. નવા કેસમાં અચાનક વધારો થવાને કારણે દેશભરમાં આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે. આગામી દિવસોમાં માગમાં વધુ વધારો થવાની ધારણા છે.
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં વેક્સિનના ૧ કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ પ્રદીપ વ્યાસે જણાવ્યું, અત્યારસુધી ૧ કરોડ ૩૮ હજારથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિનેશન અભિયાન અહીં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું હતું.
દિલ્હીની કથળી રહેલી પરિસ્થિતિ જાેઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે શહેરમાં છેલ્લા ૧૦-૧૫ દિવસમાં કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અહીં કોરોનાની ચોથી લહેર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૭૩૨ કેસો સામે આવ્યા છે, પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અમે લોકડાઉન લાદવા માગતા નથી, પરંતુ શનિવારે સરકારે કેટલાક પ્રતિબંધો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. આ વખતની પીક નવેમ્બરથી જાેખમી છે.